હરિયાણા ખાતે યોજાનારી નેશનલ ચેમ્પિયનશીપમાં રાજકોટના દિવ્યાંગ ખેલાડીઓ બતાવશે કૌશલ્ય; ઓમ્નિટેક એન્જિનિયરિંગનો આર્થિક સહયોગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાષ્ટ્રીય મંચ સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત (રાજકોટ) અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ હોકી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકો માટે વિશેષ ફિલ્ડ હોકી પ્રશિક્ષણ અને સિલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ઉજાગર કરી તેમનામાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો હતો. હરિયાણામાં આગામી 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી નેશનલ ચેમ્પિયનશીપ માટે આ કેમ્પના માધ્યમથી લાયક ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લાના આ સિલેક્શન કેમ્પમાં વિવિધ વય જૂથમાં તેજસ્વી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં સબ જુનિયર જૂથમાં મનસ્વી મે, જુનિયર જૂથમાં અરહાન નોળીયાર અને શ્રેયા લીંબાસીયા તથા સિનિયર કેટેગરીમાં રોનક વોરા અને હેન્સીએ સ્થાન મેળવ્યું છે. શિબિર દરમિયાન હોકી ફેડરેશનના નિષ્ણાત કોચ દ્વારા બાળકોને હોકી સ્ટિક પકડવાની રીત, બોલ કંટ્રોલ અને પાસિંગ જેવા પાયાના કૌશલ્યો ખૂબ જ સરળ અને રમૂજી રીતે શીખવવામાં આવ્યા હતા, જેથી બાળકો શારીરિક અને માનસિક રીતે વધુ સક્રિય બની શકે.
આ ઉમદા કાર્ય માટે ઓમ્નિટેક એન્જીનિયરીંગ લિમિટેડના એમ.ડી. શ્રી ઉદયભાઈ પારેખ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમમાં હોકી એસોસિએશનના પ્રમુખ મહેશ સર, રાજકોટના ડી.એસ.ડી.ઓ. શ્રી જાડેજા સર અને અન્ય મહાનુભાવોએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આયોજકોનું માનવું છે કે યોગ્ય પ્લેટફોર્મ મળવાથી બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકો પણ રાષ્ટ્રીય કક્ષાએ પોતાની ઓળખ ઊભી કરી શકે છે. હોકી રાજકોટના કિન્નરીબેન પટેલે એક અખબારી યાદીમાં આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં રાજકોટના આ દિવ્યાંગ ખેલાડીઓ હોકી ક્ષેત્રે નવી અને ગૌરવભરી સિદ્ધિ હાંસલ કરશે.



