બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓનો તણાવ ઘટાડવા ધારાસભ્ય ઉદય કાનગડનો સ્તુત્ય પ્રયાસ: પ્રખર વક્તા શૈલેષ સગપરીયાએ સફળતાના મંત્રો આપ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે આગામી માર્ચ-2026ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ‘પરિશ્રમ એ જ પારસમણિ’ મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા દ્વારા સતત ત્રીજા વર્ષે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને પરીક્ષાના હાવને દૂર કરવાનો હતો.
આ કાર્યક્રમમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે અને અન્ય રાજકીય-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનું સિંચન કરતા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા, જેમણે આ આયોજનને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી ગણાવ્યું હતું.
ધારાસભ્ય ઉદય કાનગડએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં કોઈ જાદુઈ લાકડી નથી, પરંતુ સતત પરિશ્રમ અને શિસ્ત જ સાચી પારસમણિ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ’પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની જેમ આ સેમિનાર પણ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે છે. તેમણે ઉમેર્યું કે, ધોરણ 10-12ની પરીક્ષા એ જીવનનો અંત નથી, પરંતુ ભવિષ્યના ઉજ્જવળ ગ્રંથનો પ્રથમ અધ્યાય છે. વાલીઓની અપેક્ષાને બોજ માનવાને બદલે તેને સન્માનનો તાજ ગણીને મહેનત કરવા તેમણે આહવાન કર્યું હતું.
મુખ્ય વક્તા શૈલેષ સગપરીયાએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, વિદ્યાર્થીકાળની ઉર્જાને જો યોગ્ય દિશા મળે તો ચમત્કારિક પરિણામો મેળવી શકાય છે. તેમણે વિદ્યાર્થીઓને ભયમુક્ત થઈને પરીક્ષા આપવાની સલાહ આપતા જણાવ્યું કે, ભય એ હારનો સંકેત નથી પણ તમે કંઈક મોટું કરવા જઈ રહ્યા છો તેની સાબિતી છે. માર્કશીટ કરતા જીવનના મૂલ્યો, સંઘર્ષ અને સહનશીલતા વધુ મહત્વના છે. પરિશ્રમ ક્યારેય વ્યર્થ જતો નથી અને દરેક વિદ્યાર્થીમાં સફળ થવાની અખૂટ શક્તિ રહેલી હોય છે.



