‘સાહેબ’ આવે છે !
પીએમ રૂટના તમામ રસ્તાઓ નવા બન્યા, ફૂટપાથની મરામત અને બ્રિજ પર રંગરોગાન
- Advertisement -
10 જાન્યુઆરીએ સંભવત જૂનાં એરપોર્ટથી માધાપર ચોકડી સુધીનો રોડ-શો
રાજકોટ શહેર ફરી એકવાર રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવવા જઈ રહ્યું છે. આગામી તા. 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન મોરબી રોડ સ્થિત મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ યોજાઇ રહી છે, જેમાં 10 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. તેમના આગમનને લઈ રાજકોટમાં જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને શહેરને નવા રંગરોગાન સાથે શણગારવામાં આવી રહ્યુ છે. સૂત્રો અનુસાર વડાપ્રધાન હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા બાદ હેલિકોપ્ટર મારફતે જૂના એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી માધાપર ચોકડી સુધી રોડ-શો યોજશે. આ રૂટ પર આવતા તમામ મુખ્ય રસ્તાઓ ડામરથી મઢી દેવામાં આવ્યા છે. ફૂટપાથની મરામત તથા રંગરોગાનનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. શહેરના દરેક ઓવરબ્રિજ અને અંડરબ્રિજને નવા રંગોથી શણગારવામાં આવી રહ્યા છે. ખાસ કરીને 150 ફૂટ રીંગ રોડ પર પાર્કિંગ વ્યવસ્થા સુધારવામાં આવી રહી છે તેમજ ગેરકાયદે દબાણો દૂર કરી માર્ગોને સ્વચ્છ અને ખુલ્લા બનાવવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા બાબતે તંત્ર દ્વારા ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. વડા પ્રધાનનો રાજકોટમાં અંદાજે ચારથી પાંચ કલાકનો કાર્યક્રમ રહેશે, જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને મહેમાનો પણ ઉપસ્થિત રહેશે. ‘સાહેબ આવે છે’ના માહોલ સાથે રંગીલા રાજકોટમાં ઉત્સાહ જોવા મળી રહી છે.



