પોલીસે સુઝબુઝથી ગણતરીની કલાકોમાં અપહરણના આરોપીઓને પકડી પાડ્યા
રૈયાધારના રૂડી ચોકમાં બે ખંડણીખોરો બાઈક લઈને દોઢ લાખ વસુલવા માટે આવ્યા અને યુનિવર્સિટી પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા
ડીસીપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં યુનિવર્સિટી પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રેલનગરમાં મંદિરે દર્શન કરવા ગયેલા રૈયાધારના યુવાનનું તેના જ મિત્ર સહિત છ શખ્સોએ અલ્ટો કારમાં અપહરણ કરી લઇ ગયા હતા ત્યારબાદ યુવાનને કારમાં જ માર મારતા લોધિકા વાડી વિસ્તારમાં લઈ ગયા હતા અને ત્યાં બેફામ માર માર્યો હતો. ત્યારબાદ અપહરણકારોએ યુવાનના પિતાને ફોન કરી દોઢ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી જેથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતાં યુનિવર્સિટી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી લોકેશનના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી તે દરમિયાન ખંડણીખોરે યુવાનના પિતાને દોઢ લાખ રૂપિયા રૈયાધાર પાસે આવેલ રૂડી ચોકમાં આપી જવાનું કહેતાં પોલીસની ટીમ પહેલાં જ ત્યાં ગોઠવાઈ ગઈ હતી અને યુવાનના પિતાએ બાઈક પર આવેલા બે લોકોને ખંડણીના પૈસા આપતાં પોલીસે કોર્ડન કરી ફિલ્મી ઢબે બે બાદ કુલ છ આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાંથી એક આરોપી નાસી છૂટતા તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતા રાહુલ નરસિંહભાઈ બોરીચા (ઉ.વ.23) નામનો યુવાન રાત્રીના સમયે રેલનગરમાં મામા સાહેબના મંદિરે હતો ત્યારે દિપુ, અજય સહિત કુલ છ શખ્સો અલ્ટો કાર લઈને આવ્યા હતા અને ચાલ હમણાં આવી તેમ કહી કારમાં અપહરણ કરી લઇ ગયા હતા ત્યારબાદ રાહુલને કારમાં જ માર મારવાનું શરૂ કર્યું હતું. જેથી રાહુલે પ્રતિકાર કરતા તેને મોઢે ડૂમો આપી કાર લોધિકા તરફ હંકારી ગયા હતા અને ત્યાં વાડી વિસ્તારમાં લઈ જઈ બેફામ માર માર્યો હતો. ત્યારબાદ અજયે રાહુલના પિતાને કોલ કર્યો કે તમારો પુત્ર જીવતો જોઈતો હોય તો રૂા. 1.50 લાખ આપવા પડશે નહીં તો તારા છોકરાને અમે મારી નાખીશું. જેથી ગભરાઈ ગયેલા નરસિંહભાઈએ તુરંત પોલીસનો સહારો લઇ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. બાદમાં રાજકોટ શહેરની તમામ પોલીસે નાકાબાંધી કરતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઈ એ. બી. જાડેજા, હરપાલસિંહ જાડેજા, રાજુભાઈ મિયાત્રા અને બ્રિજરાજસિંહ સહિતના સ્ટાફે આરોપીની કારનો મોબાઈલ લોકેશનના આધારે પીછો કર્યો હતો. પોલીસે પીછો કરતા આરોપીઓ કાર ફૂલ સ્પીડે હંકારી મવડી નજીક ધરમનગર પાસે રાહુલને મૂકીને નાસી ગયા હતા. તેના થોડા કલાકો બાદ રાહુલના પિતા નરસિંહભાઈને ખંડણીખોરોએ ફોન કરી રૈયાધાર પાસે આવેલ રૂડી ચોકમાં દોઢ લાખ રૂપિયા આપી તેના દીકરાને લઈ જવાની વાત કરી હતી, જેથી યુનિવર્સિટી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી રૈયાધાર વિસ્તારમાં ગોઠવાઈ ગઈ હતી અને નરસિંહભાઈ રૂડી ચોક ખાતે પહોંચ્યા ત્યારે બે ખંડણીખોરો દોઢ લાખ વસુલવા માટે બાઈક લઈને આવ્યા અને નરસિંહભાઈ પાસે થેલીમાં રહેલ દોઢ લાખ રૂપિયા લેતા હતા ત્યારે યુનિવર્સિટી પોલીસે ફિલ્મી ઢબે આ બંને બાઈક સ્વાર દિપક રાવતભાઈ ડાંગર અને હેમરાજ સુરેશભાઈ ગઢવીને ઝડપી પાડી આગવી ઢબે પૂછપરછ કરતાં તે આ દોઢ લાખ રૂપિયા પ્રિતેશ ઉર્ફે દકાને આપવાના હતા જેથી પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓને પ્રિતેશને ફોન કરી રૂપિયા મળી ગયા હોવાની જાણ કરી હતી જેથી પ્રિતેશ આ રૂપિયા સ્વીકારવા માધાપર ચોકડી પાસે આવેલા શેઠનગર પાસે પહોંચ્યો હતો તે અગાઉ જ તે વિસ્તારમાં પોલીસ ગોઠવાઈ ગઈ હતી જેથી આ અંગેની જાણ પ્રિતેશને થઈ જતાં તે ત્યાંથી પોતાની અલ્ટો કાર લઈને નાસી જતાં પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરી રૈયા ટેલિફોન એક્સચેંજ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. અને બીજો દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલા ટવેન્ટી-ટવેન્ટી બિલ્ડિંગ પાસે બેઠેલા સદામને ઝડપી પાડી અપહરણ પૈકીના કુલ સાતમાંથી છ આરોપી ઝડપાઈ જતાં બાકી રહેલા એકને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.



