PM મોદીના હસ્તે આજે સુરતના સરથાણા વાલક પાટિયામાં આવેલા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા હોસ્ટેલ ફેઝ – 1નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, કેન્દ્રીય રેલરાજ્ય પ્રધાન દર્શના જરદોશ, પુરૂષોત્તમ રૂપાલા સહિત કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓ હાજર રહ્યાં. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતાં.
અત્રે નોંધનીય છે કે, આજે PM મોદીએ સુરતના સરથાણા વાલક પાટિયામાં આવેલા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા હોસ્ટેલ ફેઝ – 1નું વર્ચ્યૂઅલ ખાતમુહૂર્ત કર્યું છે. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં નિવેદન આપતા જણાવ્યું કે, ‘2024 સુધીમાં હોસ્ટેલના બન્ને ફેઝનું કામ પૂર્ણ થવાનું છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા શિક્ષણ માટે મહત્વનું કામ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત આજે સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને આગળ વધારી રહ્યું છે.’
- Advertisement -
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, ‘ગુજરાતને એવા મુખ્યમંત્રી મળ્યાં છે કે જેઓ ટેક્નોલોજીના પણ જાણકાર છે તેમજ જમીન સાથે પણ તેઓ જોડાયેલા છે. અલગ-અલગ ક્ષેત્રોમાં પણ તેમનો કામ કરવાનો અનુભવ છે કે જે ગુજરાતના વિકાસમાં કામ આવશે. નગરપાલિકાથી શરૂ કરીને ઔડા સુધીની સફર, 25 વર્ષથી અખંડ રૂપથી પ્રશાસને તેમણે નજીકથી જોયું અને તેનું નેતૃત્વ પણ તેમણે કર્યુ છે. મને ખુશી છે કે આવાં અનુભવી વ્યક્તિ ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યાં છે. આટલા લાંબા સમયથી સાર્વજનિક જીવનમાં રહેવા બાદ પણ વિવિધ પદો પર તેઓ રહ્યાં છે તેમ છતાં ખાતામાં કોઈ વિવાદ નથી. તેઓ ભલે ઓછું બોલે છે પરંતુ તેમના કાર્યમાં ક્યારેય ઉણપ આવતી નથી. તેઓ સાયલન્ટ વર્કર તરીકે કામ કરે છે.’
રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ સ્ટેજ પર ઉંઘતા જોવા મળ્યાં

- Advertisement -
તમને એ જાણીને હસવું આવશે કે, સુરતમાં આયોજિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત હોસ્ટેલ-ફેઝ 1ના કાર્યક્રમમાં રાજ્યના કૃષિ પ્રધાન ઉંઘતા ઝડપાયા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે એક જ વર્ષ બાકી છે. ત્યારે નેતાઓ ચૂંટણીના પ્રચાર માટે અગાઉથી ભાગદોડ કરી રહ્યાં છે. જેથી સ્ટેજ પર રાઘવજી પટેલ ઉંઘતા જોવા મળ્યાં હતાં.



