વધુ પૂછપરછમાં ધોરણ 9 પાસ, ઈંગ્લીશ શીખવાનું શરૂ કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
- Advertisement -
ગીર નેશનલ પાર્ક, સાસણ ગીરની રૂમ અને સફારી બુકિંગની ફેક વેબસાઇટ બનાવી દેશ-વિદેશના મુલાકાતીઓ સાથે સાયબર ફ્રોડ આચરનાર આરોપી રાશિદખાન મેવાતીની ધરપકડ બાદ મેંદરડા પોલીસે તેની આકરી પૂછપરછ શરૂ કરી છે.
તપાસનીશ પીઆઇ પી. સી. સરવૈયાએ રાજસ્થાનથી ઝડપાયેલા આરોપી રાશિદખાન અયુબખાનને 5 દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે. સોમવારે વધુ તપાસ હાથ ધરતા કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ધોરણ 9 પાસ હોવા છતાં, આરોપી રાશિદખાને પોતે શરૂ કરેલી વેબ ડિઝાઈનિંગ અને સોફ્ટવેર કોડિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જ ઇંગ્લિશ શીખવાનું શરૂ કર્યું હતું. પોલીસની પૂછપરછમાં તેણે વધુ ફ્રોડ કરવાના હેતુથી ઇંગ્લિશ શીખી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આરોપીએ તેના મોબાઈલ ફોનનો તમામ ડેટા ડિલીટ કરી નાખ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેથી પોલીસે રાજસ્થાનના મોબાઈલ ફોનના ડેટા રિકવર કરવા માટે નિષ્ણાતની મદદ લઈને કવાયત શરૂ કરી છે, જેથી ફ્રોડના મૂળ સુધી પહોંચી શકાય. પોલીસને શંકા છે કે આ કેસમાં અન્ય લોકોની સંડોવણી પણ હોઈ શકે છે, જેથી વધુ ધરપકડની શક્યતા છે. આરોપી શાતિર દિમાગનો હોવાથી તેની પાસેથી વધુ માહિતી મેળવવા માટે પોલીસ વિવિધ યુક્તિઓ અપનાવીને સઘન પૂછપરછ કરી રહી છે.



