“GOD’S OWN COUNTRY”- ઈશ્ર્વરનો પોતીકો મુલ્ક’ જેવી ટેગલાઈન કેરળ પ્રવાસન વિભાગ તેનાં પ્રમોશન માટે ઈસ્તેમાલ કરે છે. નેશનલ જ્યોગ્રાફિક જેવાં પ્રતિષ્ઠિત મેગેઝિને તેને ‘પૃથ્વી પરનાં 10 સ્વર્ગ’ની યાદીમાં સ્થાન આપ્યું છે. આવી અનોખી યાદીમાં સ્થાન મેળવવા પાછળનાં કારણો કેરળ યાત્રા દરમિયાન સમજી શકાય છે. કેરળનું પ્રાકૃતિક વૈવિધ્ય, લીલોતરીની ચાદર અને અહીંની ફળદ્રુપ જમીન તેમજ પહાડો, નદીઓ, દરિયાનો અનોખો સંગમ તેને વિશિષ્ટ બનાવે છે. જો તમે કેરળ યાત્રાનું વિચારી રહ્યા હોય તો સૌપ્રથમ કોચિનથી સીધા જ મુન્નાર પહોંચી જજો. કેરાલાના ઈદુક્કી જીલ્લામાં આવેલુ મુન્નાર કુદરતી સૌદર્યના ચાહકોના સ્વર્ગ તરીકે જાણીતું હિલસ્ટેશન છે. આબુ, શિમલા, મનાલી, નૈનિતાલ, મસૂરી, મહાબળેશ્રર, પંચગિની જેવા ડઝનેક હિલસ્ટેશનમાં એકસરખી સમાનતા જોવા મળતી હોય છે એવી કોઈ ખાસ સમાનતા અહીં જોવા મળતી નથી અને આ કારણે જ મુન્નાર એક અલગ જ પ્રકારનું હિલસ્ટેશન છે.
ખુશનુમા વાતાવરણ, વાદળોથી ઘેરાયેલા પહાડો, સેંકડો ફૂટ ઊંડી ખીણો, ચાના બગીચાઓ, મસાલા અને કોકોની ખેતી.. તમિળ ભાષામાં મુન્નાર શબ્દનો અર્થ થાય છે ‘ત્રણ નદીઓ’. આ હિલસ્ટેશન ત્રણ નદીઓ – મુદ્રાપુઝા, નાલ્લાથાની અને કુનડાલાના સંગમ સ્થાન પર આવેલુ છે. મુન્નારના પહાડી વિસ્તારમાં ઘણા વોટરફોલ્સ – પાણીના ધોધ પણ આવેલા છે, જ્યાં મોટાભાગે સાઉથ મૂવીના શૂટિંગ ચાલતાં રહેતા હોય છે. મુન્નાર ફરવા માટે બે દિવસ જેટલો સમય જોઈએ છે.
- Advertisement -
ખુશનુમા વાતાવરણ, વાદળોથી ઘેરાયેલા પહાડો, સેંકડો ફૂટ ઊંડી ખીણો, ચાના બગીચાઓ, મસાલા અને કોકોની ખેતી…
એરાવિકુલમ નેશનલ પાર્ક, સ્પાઈસ ગાર્ડન, ટી મ્યુઝિયમ અને માર્શલ આર્ટ્સ શૉની મુલાકાત યાદગાર બની રહેશે
અહીં આવો તો બ્લોસમ પાર્કની મુલાકાત અચૂક લેજો, રોઝ ગાર્ડન ઠીકઠાક છે પરંતુ ફૂલની ચાદરથી પથરાયેલું બ્લોસમ પાર્ક ઓસમ છે. સનસેટ પોઈન્ટ, ફોટો પોઈન્ટ, કથકલી અને માર્શલ આર્ટ શો જોવા જેવા ખરા. હોટ એર બલૂનમાં બેસી મુન્નારનો આકાશી નજારો આંખોમાં ભરી લેવાથી લઈ ત્રણ કિલોમીટર ખાસ્સી લાંબી ઝીપલાઈનમાં સરકવાની એડવેન્ચર એક્ટિવિટીનો લ્હાવો લેવો જોઈએ. આ સિવાય મુન્નારમાં મોસ્ટ વિઝીટ કરવા જેવા પ્લેસિસ જોઈએ તો..
- Advertisement -
એરાવિકુલમ નેશનલ પાર્ક : ભારતનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય ઉદ્યાન એરાવિકુલમ નેશનલ પાર્ક છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને રાજામલાઈ વન્યજીવન અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. નેશનલ પાર્કમાં નીલગિરિ અથવા થાર નામથી ઓળખાતી લુપ્તપ્રાય જંગલી બકરી (આઇબેક્સ) જોવા મળે છે. નીલગિરિ તદ્દન અલ્પ સંખ્યામાં રહ્યા હોવાથી તેમને અહીં સંરક્ષણ આપવામાં આવે છે. દુનિયાભરમાં તેમની સંખ્યા માત્ર 1000 જેટલી જ છે, તે પૈકીની અડધોઅડધ જંગલી બકરી આ વિસ્તારમાં છે. નીલગિરિ સિવાય અહીં પક્ષીઓની લગભગ 132વિવિધ પ્રજાતિઓ, ઉભયજીવી પ્રાણીઓની 19 પ્રજાતિઓ, સસ્તન પ્રાણીઓની 26 પ્રજાતિઓ, પતંગિયાઓની 101 પ્રજાતિઓ અને ઓર્કિડની 20 વિવિધ પ્રજાતિઓ ઉપલબ્ધ છે. એરાવિકુલમ નેશનલ પાર્કમાં આવેલું આનમુડી શિખર દક્ષિણ ભારતનું સૌથી ઉંચું શિખર છે, જે 2700 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. દર બાર વર્ષે આ વિસ્તારમાં નિલકુરિંજીના ફૂલો ખીલે છે ત્યારે પર્વતોએ જાણે વાદળી ચાદર ઓછી હોય તેવું પ્રતિત થાય છે. એરાવિકુલમ નેશનલ પાર્કમાં ખાનગી વાહનોમાં જઈ શકાતું નથી એટલે આ નેશનલ પાર્કની બસ જ પહાડોમાં વસતા નીલગિરિ સુધી લઈ જાય છે અને પરત લઈ આવે છે. આ બસ યાત્રા દરમિયાન મુન્નારના અવર્ણીય ચાના બગીચાઓ, વોટરફોલ્સ અને અન્ય દ્રશ્ર્યો નિહાળી મંત્રમુગ્ધ થઈ જવાઈ છે.
સ્પાઈસ ગાર્ડન : મુન્નારમાં ઠેરઠેર સ્પાઈસ ગાર્ડન જોવા મળે. ટિકિટ લઈને અંદર જાઓ એટલે ત્યાંનો ગાઈડ તમને અનેકાનેક વૃક્ષો અને છોડ દેખાડે. મરી, એલચી, સોપારી, તજ-લવિંગ, જાયફળ, શતાવરી, જાવંત્રી, જાયફળ, રુદ્રાક્ષ, અશ્ર્વગંધા, કોકો, અંજીર જેવા અઢળક પ્રકારનાં જાણીતાં-અજાણ્યાં ઓસડિયાં વિશે સમજ આપે. આજે પણ મરી-મસાલા અને તેજાનાના ઉત્પાદનનો બહુ મોટો હિસ્સો કેરળનો છે. અહીં સ્પાઈસ ગાર્ડનમાં ઔષધીય વનસ્પતિઓની સમજ લીધા બાદ ત્યાં જ સ્પાઈસ શોપ હોય જ્યાંથી આયુર્વેદિક દવાઓ અને ઓર્ગેનિક મસાલા ખરીદી શકાય. અહીં મસાલા, તેજાના, સાબુથી લઈ આયુર્વેદીક દવા અને તેલ થોડા મોંઘા લાગશે પરંતુ ક્વાલિટી દ્રષ્ટિએ બેસ્ટ છે. મુન્નાર વેલી સ્પાઈસ ગાર્ડન સારું અને સસ્તું છે.
રિપલ ટી મ્યુઝિયમ એન્ડ ગાર્ડન : આખું મુન્નાર ચાના બગીચાઓથી છવાયેલું છે. પણ અમુક અમુક જગ્યા એ ટી ગાર્ડનનો મસ્ત વ્યુ હોય છે. અમુક ગાર્ડનમાં તમે અંદર પણ જઈ શકો છો અને ફોટો-વીડિયો શૂટ પણ કરી શકો છો. મુન્નારમાં રિપલ ટી મ્યુઝિયમ એન્ડ ગાર્ડન જોવાલાયક છે. રિપલ ટી મ્યુઝિયમમાં આવશો એટલે ચા વિશેની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. જેમ કે, ભારતમાં સૌથી પહેલા ચા કેવી રીતે આવી અને અહીં ચાય ખેતીની શરૂઆત કેમ થઈ. ચા પત્તી કટિંગથી લઈ તેના પેકીંગ સુધીની પ્રોસેસ વિશે જોવા-જાણવા મળશે. ટી મ્યુઝિયમમાં જ અલગઅલગ પ્રકારની ચાના ટેસ્ટ ઉપરાંત તેની ખરીદી પણ કરી શકાય છે. આ જગ્યાએ ટી ગાર્ડનમાં જઈ ફોટો શૂટ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે.
ચોકલેટ ફેક્ટરી : કેરળ જેટલું પ્રાકૃતિક ઐશ્ર્વર્ય ભારતના અન્ય કોઈ જ રાજ્યમાં જોવા નથી મળતું. આટલું ઓછું હોય તેમ અહીં દુનિયાના સૌથી પોપ્યુલર એવાં ત્રણ પીણાંની ખેતી આવેલી છે. ચા, કોફી અને કોકો. કેરળના અમુક વિસ્તારમાં કોકો ફ્રૂટ્સ રસ્તે રખડતાં પણ જોવા મળે. આ કોકોમાંથી બને છે ચોકલેટ, એટલે મુન્નારમાં ઠેકઠેકાણે ચોકલેટ ફેક્ટરી જોવા મળે. મુન્નાર ચોકલેટ ફેક્ટરીમાં પણ ઘણું જોવા-જાણવાનું છે. અહીં કોકોની ખેતીથી માંડીને ચોકલેટની બનવા સુધીની પ્રોસેસ વિસ્તૃત રીતે સમજાવવામાં આવે. કઈકેટલીયે જાતભાતની તાજેતાજી ચોકલેટ બનાવી દેખાડે પણ અને ખવડાવે પણ..
મતુપેટ્ટી ડેમ: મુન્નારથી 10 કિલોમીટર દૂર આવેલ મતુપેટ્ટી ડેમ પ્રવાસીઓ માટે પિકનીક સ્થળ તરીકે પ્રખ્યાત છે. અહીં બોટિંગ તેમજ ઘોડેસવારી કરવાની મજા માણી શકો છો. આ ડેમનો નજારો અદભુત અને આહલાદક છે. અંગ્રેજોના સમયમાં નિર્માણ પામેલો આ ડેમ મુન્નાર અને આસપાસના વિસ્તારોમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળે છે.
ઈકો પોઈન્ટ : મુન્નારથી 15 કિલોમીટર દૂર આવેલા ઈકો પોઈન્ટ જવાના રસ્તા પર એક નાનુ તળાવ આવેલું છે, ત્યાથી તમે ઉંચા અવાજે બોલેલો કોઈપણ શબ્દ તમને પાછો સંભળાશે, તેથી તે જગ્યાનું નામ ઈકો પોઈન્ટ પડી ગયું છે. આ સ્થળ પર બોટિંગ અને ઘોડે સવારીની મજા માણી શકાય છે. ઈકો પોઈન્ટ અને તેની આસપાસનો વિસ્તાર એકદમ શાંત, હરિયાળો અને રમણીય છે.



