અમદાવાદના સરખેજ વિસ્તારની ઘટના: યુવતીના નોકરીના સ્થળે જઈ પેટ્રોલ છાંટ્યું, સળગતી હાલતમાં પહેલા માળેથી કૂદ્યો, સારવારમાં મોત
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ગઈરાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથેની તકરારના પગલે ઉશ્ર્કેરાઈને યુવતીના કાર્યસ્થળે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી હતી. એ બાદ આગ લાગેલી સ્થિતિમાં પહેલા માળેથી નીચે પટકાયો હતો.
સળગતી હાલતમાં રોડ પર તરફડિયાં મારતો હોય એવાં દૃશ્ર્યો સામે આવ્યાં હતાં. આ ઘટનામાં યુવતીને પણ ઈજા પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. યુવતીના પાડોશમાં રહેતો કામરાન નામનો યુવક તેને છ મહિનાથી હેરાન કરતો હતો અને એકતરફી પ્રેમમાં પાગલ હતો. ગઈકાલે 27 નવેમ્બરના રોજ રાતે 8:30 વાગ્યે કામરાન હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને યુવતી સાથે બોલાચાલી કરી હતી. હોસ્પિટલમાં માથાકૂટ કર્યા બાદ યુવકે તોડફોડ કરી અચાનક જ તેણે પોતાના શરીર ઉપર જાતે જ પેટ્રોલ નાખીને લાઇટરથી આગ લગાવી દીધી હતી. પહેલા માળે આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવતી પણ આગ લાગતાં બેભાન થઈ ગઈ હતી.
કામરાન આગ લાગેલી સ્થિતિમાં જ પહેલા માળેથી નીચે પડ્યો હતો. નીચે ડેન્ટલ ક્લિનિક હતું, ત્યાં પણ નુકસાન થયું હતું. કામરાન સળગતી હાલતમાં રોડ ઉપર આવી ગયો હતો. આસપાસના લોકોએ આગ બુજાવ્યા બાદ તેને સારવાર માટે 108 દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે કામરાનનું મોટા ભાગનું શરીર દાઝી ગયું હોવાથી સોલા સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અસારવા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અસારવા સિવિલમાં મોડીરાતે કામરાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવક આગ લાગ્યા બાદ પહેલા માળેથી નીચે પડ્યો હતો, જે દરમિયાન ત્યાં હાજર લોકોએ તેનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.



