દસ્તાવેજ એન્ટ્રી મુદ્દે અરજદારે હુમલો કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જુનાગઢના તાલુકા સેવા સદનમાં ફરજ પરના નાયબ મામલતદાર ભાર્ગવભાઈ ધામેચા પર એક અરજદારે ખુરશીનો ઘા મારીને હુમલો કર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સેવા સદનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
- Advertisement -
પ્રાપ્ત માહિતી અનુસાર, તાલુકા સેવા સદનના ઈ-ધરા કેન્દ્રમાં નાયબ મામલતદાર ભાર્ગવભાઈ ધામેચા તેમની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રવિણચંદ્ર ચંદે નામના અરજદાર વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવા માટે અરજી લઈને આવ્યા હતા.
નાયબ મામલતદાર ધામેચાએ દસ્તાવેજમાં કોઈક વાંધાને કારણે અરજદારને એફિડેવિટ રજૂ કરવાનું કહેતા જ અરજદાર રવિન્દ્ર ચંદે ગુસ્સે ભરાયો હતો. તેણે આવેશમાં આવીને ઓફિસમાં પડેલી ખુરશી ઉઠાવી નાયબ મામલતદાર પર વાર કર્યો હતો અને તેમની સાથે મારપીટ કરી હતી. આ સાથે જ અરજદારે મામલતદારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ તાત્કાલિક નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચાએ જુનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી રવિન્દ્ર ચંદે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી કર્મચારી પર થયેલા આ હુમલાને પગલે કચેરીના અન્ય કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી
રહ્યો છે.



