શહેરના તમામ વોર્ડમાં કરોડોનાં ખર્ચથી મેટલિંગ – ડામર રોડના કામો નવેમ્બર સુધીમાં પુરા કરાશે
તમામ વોર્ડમાં ડામરકામ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી જ રૂ.137.86 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ઘણા સમયથી ખરાબ રસ્તાઓને કારણે લોકોનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હતો. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ બંધ થતાં તંત્ર દ્વારા શહેરના તમામ ઝોનમાં ખાડાઓને બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ 2931 ખાડા પડ્યા હતા જે તમામ બુરી દેવામાં આવ્યા હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તો ત્રણેય ઝોનમાં કરોડો રૂપિયાના ખર્ચે મેટલિંગ અને ડામર રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. નવેમ્બર સુધીમાં પુરા કરી દેવામાં આવનાર છે. જેને લઈને લાંબા સમય બાદ હવે રાજકોટનાં લોકોને ખરાબ રસ્તાની સમસ્યાથી છુટકારો મળશે.
પ્રાપ્ત વિગત મુજબ વરસાદે વિરામ લેતાં તેમજ ઉઘાડ નીકળતાં સોમવારથી જ શહેરના તમામ ઝોનના વોર્ડ વિસ્તારોમાં ખાડા બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોર્પોરેશનનાં સિટી એન્જિનીયર અતુલ રાવલનાં જણાવ્યા મુજબ રાજકોટનાં ત્રણેય ઝોનમાં મળીને કુલ 2931 ખાડા પડયા હતા. આ તમામ ખાડાઓ બુરવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. હાલમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં મેટલિંગ અને ડામર કામો શરૂ કરવામાં આવ્યા છે. દિવાળીની રજાઓ સિવાય આ કામગીરી સતત ચાલુ રહેશે. અને આગામી નવેમ્બર સુધીમાં મોટા ભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
શહેરના તમામ વોર્ડમાં ડામરકામ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી જ રૂ. 137.86 કરોડનો ખર્ચ મંજૂર કરી દીધો છે. આ કામગીરીને મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં નવેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવા માટે શાસકો તનતોડ મહેનત કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પૂર્વ આયોજન વગર શહેરમાં ડીઆઈ પાઈપલાઈન નાખવા કામગીરી શરૂ કરાયા બાદ ચોમાસા પહેલાં ખોદકામને કારણે રસ્તાઓ બિસ્માર બન્યા હતા. તેમાં પેચવર્ક ન થતાં ચોમાસા પહેલાંથી જ શહેરના તમામ 18 વોર્ડના જાહેર અને આંતરિક રોડ-રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ગયા હતા. શહેરીજનોના આકરા વિરોધ બાદ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે તા. 1 ઓક્ટોબરથી તમામ માર્ગો ડામરથી મઢવાની જાહેરાત કરી હતી, પરંતુ વરસાદના વિઘ્નને કારણે આ કામગીરી અટકી પડી હતી. તમામ સ્થળે કામકાજ ચાલુ છે



