સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકાના ભૂગર્ભ ગટર યોજનાના ૧૯.ર૭ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી: છ હજાર ઘરોને મળશે લાભ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ધ્રાંગધ્રાની ભૂગર્ભ ગટર યોજના અન્વયે સીવર કલેકટીંગ સિસ્ટમ-મેનહોલ-હાઉસ કનેકશન ચેમ્બર તેમજ પમ્પીંગ સ્ટેશનનો સમાવેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરમાં નગરપાલિકાના ૧૯.ર૭ કરોડ રૂપિયાના ભૂગર્ભ ગટર યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
- Advertisement -
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ ભૂગર્ભ ગટરના કામોની મંજૂરી ભૂપેન્દ્રભાઇ પટેલે આપી છે. ધ્રાંગધ્રા નગરમાં આ ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ થતાં નાગરિક સુવિધામાં વૃદ્ધિ થશે.
ધ્રાંગધ્રા નગરપાલિકાએ આ ભૂગર્ભ ગટર યોજના માટે ૮૦ કિ.મી. કલેકટીંગ સીસ્ટમ સાથેના ૧૯.ર૭ કરોડ રૂપિયાના અંદાજો રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યા હતા તેને મુખ્યમંત્રીશ્રીએ સૈધાંતિક મંજૂરી આપી છે.
તદઅનુસાર, આ ભૂગર્ભ ગટર યોજનાના ઘટકોમાં સીવર કલેકટીંગ સિસ્ટમ, મેનહોલ, હાઉસ કનેકશન ચેમ્બર તથા પમ્પીંગ સ્ટેશનનો સમાવેશ થવાનો છે.
- Advertisement -
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આકાર પામનારી ધ્રાંગધ્રા નગરની આ ભૂગર્ભ ગટર યોજનાનો લાભ ૬ હજાર જેટલા ઘરોને મળશે.
એટલું જ નહિ, નગરપાલિકામાં હાલ જનરેટ થતા પાંચ એમ.એલ.ડી સીવેજમાં આ ભૂગર્ભ ગટર યોજનાના કામો પૂર્ણ થવાથી વધુ ૩ એમ.એલ.ડી સીવેજ જનરેટ થશે અને સ્વચ્છતા-સફાઇમાં વધુ વેગ આવશે.



