ગીરસોમનાથ પંથકની ત્રિપુટી, ચોરાઉ ભંગાર લેનાર વેપારી સહિત પાંચની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મેટોડા જીઆઈડીસીના કારખાનામાંથી 20 દિવસ પૂર્વે દોઢ લાખના 250 કિલો બ્રાસ સ્ક્રેપની ચોરીને અંજામ આપનાર ગીર સોમનાથ પંથકના ચાર તસ્કરો અને ચોરાઉ માલ ખરીદનાર ભંગારના ધંધાર્થી સહીત કુલ પાંચ શખ્સોની મેટોડા પોલીસે ધરપકડ કરી તમામ મુદામાલ અને બે વાહન મળી કુલ અઢી લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે જયારે આ ગુનામાં સંડોવાયેલ એક શખ્સ હજુ ફરાર હોય તેની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
ગઇ તા.28-08-2025ની રાત્રિના મેટોડા જીઆઇડીસી ગેટ નંબર-2 માં આવેલ લિનીત એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી અજાણ્યા તસ્કરો બે બેરલમાં રહેલ 1.50 લાખની કિંમતનો 250 કિલો બ્રાસ સ્ક્રેપની ચોરી કરી નાસી જતા બનાવ અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા તાત્કાલિક તસ્કરોને ઝડપી પાડવા આપેલી સુચના અન્વયે ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા અને મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ એસ એસ શર્માની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી દરમિયાન હ્યુમન રિસોર્સ અને ટેકનીકલ સોર્સના આધારે સ્ટાફને મળેલી બાતમી આધારે પોલીસે મૂળ ગીરસોમનાથ જિલ્લાના ઉનાના ખત્રીવાડાનો હાલ મેટોડામાં રહેતા કિસન બાબુ પરમાર, મૂળ સનખડાનો હાલ મેટોડામાં રહેતો જીવણ ભીખા સોલંકી, મૂળ તાલાલાનાં આંબલાસ ગામનો અને હાલ મેટોડામાં રહેતા સંદિપ રણછોડ મકવાણા અને કેતન રાકેશ સોલંકી અને મૂળ યુપીના હાલ મેટોડામાં રહેતા અને ચોરાઉ માલ ખરીદનાર ભંગારના ધંધાર્થી શિવકુમાર બજરંગીલાલ મિશ્રાની ધરપકડ કરી દોઢ લાખનો 250 કિલો બ્રાસ સ્ક્રેપ તેમજ બે બાઈક સહિત અઢી લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે રમેશ બાબુ પરમારની શોધખોળ હાથ ધરી છે.



