હવે દેવાયત ખવડે તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે
વેરાવળ સેશન્સ કોર્ટે પોલીસની રિવિઝન અરજી માન્ય રાખી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસે દાખલ કરેલી રિવિઝન અરજી સ્વીકારીને લોકગાયક દેવાયત ખવડ સહિતના આરોપીઓના જામીન રદ કરી દીધા છે. નોંધનીય છે કે, આ કેસમાં ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગનો વિરોધ નોંધાવ્યો નહોતો. હવે દેવાયત ખવડને તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે. સરકાર પક્ષની દલીલો સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કોર્ટમાં રજૂ કરી હતી. 12 ઑગસ્ટે તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને તેના સાથીદારો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ફોચ્ર્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કારને અનેકવાર ટક્કર મારી, લોખંડના ધોકાથી કાચ ફોડી નાખ્યા અને રિવોલ્વર બતાવી કેસ ન કરવા ધમકી આપી હતી. આ દરમિયાન 15 તોલા સોનાનો દોરો પણ લૂંટી લેવામાં આવ્યો હતો. ગત 18 ઑગસ્ટે પોલીસે દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તે નામંજૂર કરી જામીન પર મુક્તિ આપી હતી. જોકે, તાલાલા પોલીસે આ ચુકાદાને પડકારતા રિવિઝન અરજી કરી હતી, જેને સેશન્સ કોર્ટએ માન્ય રાખતાં જામીન રદ કરવાનો આદેશ આપ્યો છે. હવે આ કેસમાં પોલીસની આગળની કાર્યવાહી પર સૌની નજર છે.



