ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટ નજીક આવેલ ભાવનગર રોડ પર કિશાન ગૌશાળા પાછળની રામનાથ ઇન્ડસ્ટ્રીઝમાં એક અત્યંત દુ:ખદ ઘટના બની છે. મયુર ટાઇમ્સ નામના ઘડિયાળના કારખાનામાં કાકાને મળવા ગયેલા 15 વર્ષના તરુણનું લીફ્ટમાં માથું આવી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
મૂળ રાજસ્થાનનો વતની અને પાંચ દિવસ પહેલા જ રાજકોટમાં પોતાના કાકા વિક્રમભાઈ માજીરામના ઘરે આવેલો નરપતકુમાર મેઘારામ માજીરામ નામનો 15 વર્ષનો તરુણ આજે સવારે રામનાથ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા મયુર ટાઇમ્સ કારખાનામાં તેના કાકાને મળવા ગયો હતો. આ દરમિયાન, તેનું માથું અચાનક લીફ્ટમાં આવી જતાં શ્વાસ રૂંધાવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ દુર્ઘટનાની જાણ થતાં જ કારખાનાના માલિકે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તરુણને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
- Advertisement -
મૃતક નરપતકુમાર ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો અને તેના પિતા હયાત નથી. તેના કાકા વિક્રમભાઈના જણાવ્યા મુજબ, નરપતકુમાર પાંચ દિવસ પહેલા જ રાજસ્થાનથી રાજકોટ ફરવા આવ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી રાજસ્થાની પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.



