ટ્રમ્પનો ભારતીય કૃષિક્ષેત્રમાં પ્રવેશ માટેનો પ્રયાસ, કહ્યું…ટેરિફમાં ઘટાડો થવાની આશા
ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા હાથ મિલાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બહુચર્ચિત રેસિપ્રોકલ ટેરિફ (જેવા સાથે તેવો શુલ્ક) બુધવારથી અમલમાં આવશે. ટ્રમ્પે 2 એપ્રિલને અમેરિકાનો આઝાદી દિવસ તરીકે જાહેર કર્યો છે. વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે, ટ્રમ્પ બુધવારે સાંજે 4 વાગ્યે (સ્થાનિક સમય) રોઝ ગાર્ડન ખાતે ‘મેક અમેરિકા વેલ્થી અગેઇન’ કાર્યક્રમમાં ભાષણ આપશે. ટેરિફની પૂર્વસંધ્યાએ ટ્રમ્પે કહ્યું કે, મને આશા છે કે ભારત અમેરિકન ઉત્પાદનો પરના ઊંચા ટેરિફ દર ઘટાડશે. તેમણે કહ્યું, ભારતે આ પહેલાં જ કરી લેવું જોઈતું હતું. નિષ્ણાતોના મતે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન કંપનીઓને ભારતીય કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ કરાવવા પ્રયાસ કરી રહ્યા છે.
અમેરિકા હાલમાં ભારત સાથે લગભગ 4 લાખ કરોડ રૂપિયાની વેપાર ખાધનો સામનો કરી રહ્યું છે. અમેરિકા હવે ભારત પર કૃષિ ટેરિફ ઘટાડવાના મુદ્દા પર અટવાયું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ભારત યુએસ કૃષિ ઉત્પાદનો પર 100% ટેરિફ લાદે છે. ઉપરાંત, કેટલાક યુરોપિયન દેશો અને જાપાન અમેરિકન કૃષિ ઉત્પાદનો પર 700% સુધીના ટેરિફ લાદે છે. 3 એપ્રિલથી ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી કાર પર 25% ટેરિફની પણ કરી છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી જિતિન પ્રસાદે કહ્યું કે, ભારતીય ટેરિફ નીતિનો ઉદ્દેશ્ર્ય વેપાર વધારવા અને ઉદ્યોગ સાહસિકોને રક્ષણ પૂરું પાડવાનો છે.
ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાએ મુક્ત વેપાર કરાર માટે મોટી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટ્રમ્પના 25% ઓટો ટેરિફથી આ ત્રણ દેશો મુખ્ય રીતે પ્રભાવિત થશે, જે 3 એપ્રિલથી અમલમાં આવશે.
યુરોપિયન યુનિયન (ઊઞ) ના પ્રમુખ ઉર્સુલા લેહને મંગળવારે કહ્યું કે, અમે ટ્રમ્પના રેસિપ્રોકલ કર પર વળતો ટેરિફ લાદીશું. ઈયુમાં કેટલાક યુએસ ઉત્પાદનોનો મફત પ્રવેશ પણ બંધ કરવામાં આવશે.
કેરોલિન લેવિટે મંગળવારે મીડિયાને જણાવ્યું-ટ્રમ્પે બુધવારે લાદવામાં આવનાર ટેરિફના સ્તર અંગે નિર્ણય લઈ લીધો છે. હું રાષ્ટ્રપતિથી આગળ વધવા માંગતો નથી. આ એક મોટો દિવસ છે. તે હાલમાં તેના વ્યવસાય અને ટેરિફ ટીમ સાથે છે. અમે તેને વધુ સારું બનાવી રહ્યા છીએ જેથી તે અમેરિકન લોકો અને કામદારો માટે એક સંપૂર્ણ ડીલ બને. તમને આ વિશે 24 કલાકમાં ખબર પડી જશે.
વાસ્તવમાં, ટેરિફ એક પ્રકારની બોર્ડર ફી અથવા ટેક્સ છે, જે કોઈપણ દેશ વિદેશથી આવતા માલ પર લાદે છે. આ કર આયાત કરતી કંપની પર લાદવામાં આવે છે. આમાં વધારો કે ઘટાડો કરીને દેશો એકબીજા સાથેના વેપારને નિયંત્રિત કરે છે.
અમેરિકી સંસદના સંયુક્ત સત્રમાં ટ્રમ્પે કહ્યું હતું કે – ભારત અમારી પાસેથી 100%થી વધુ ટેરિફ વસૂલ કરે છે, અમે પણ આવતા મહિનાથી આવું જ કરવા જઈ રહ્યા છીએ. તેમણે જાહેરાત કરી કે તેમના વહીવટ હેઠળ, જો કોઈ કંપની અમેરિકામાં પોતાનું ઉત્પાદન નહીં કરે, તો તેણે ટેરિફ ચૂકવવા પડશે. કેટલાક કિસ્સાઓમાં, આ ટેરિફ ખૂબ મોટો હશે.
તેમણે કહ્યું કે અન્ય દેશો અમેરિકા પર ભારે કર અને ટેરિફ લાદે છે, જ્યારે અમેરિકા તેમના પર ખૂબ જ ઓછા કરવેરા લાદે છે. આ ખૂબ જ અન્યાયી છે. બીજા દેશો દાયકાઓથી આપણા પર ટેરિફ લાદી રહ્યા છે, હવે આપણો વારો છે.