ટેક્ષટાઇલ્સમાં 13.26 લાખની ચોરીમાં રાજસ્થાની ઝડપાયો, મોટો દલ્લો લઈ નાસી છૂટેલા સાગરીતની શોધખોળ
ગોલ્ડ બાયરની ઑફિસમાં હાથફેરો કરનાર શખ્સ ઝડપાયો : શેરબજારમાં હારી ગયાની કબૂલાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બે ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે ટેક્ષટાઇલ્સમાં 13.26 લાખની ચોરી કરનાર એકને દબોચી લઈ 78 હજારની રોકડ કબજે કરી મોટો દલ્લો લઈ નાસી છૂટેલા રાજસ્થાનના સાગરીતને પકડી પાડવા તપાસ હાથ ધરી છે જ્યારે ગોલ્ડ બાયરની ઓફિસમાંથી 10.81 લાખની ચોરી કરનાર શખ્સને દબોચી લઈ તમામ મુદામાલ કબજે કરવામાં આવ્યો છે તે શેરબજારમાં મોટી રકમ હારી જતાં ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મીના ગોલ્ડ બાયરની ઓફિસમાંથી સોનાના દાગીના તથા રોકડ રૂૂપીયા મળીને કુલ 10.81 લાખની ઘરફોડ ચોરી કરનાર શખ્સને મુદામાલ સાથે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
- Advertisement -
ગઇ તા.17/3/2025ના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેલેક્ષી હોટલની સામે મારૂતિ કોમ્પલેક્સ એપાર્ટમેન્ટમાં આવેલી ઓફિસ નં. 412 મીના ગોલ્ડ બાયર નામની ઓફિસમાં પાછળની દિવાલે બારી તોડીને અંદર પ્રવેશ કરી ઓફિસમાં રાખેલા સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હોય જે ચોરીના બનાવ અંગે ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા અને પીઆઇ ડામોરની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલા શખ્સ આકાશ કયાડા (ઉ.વ.26)ની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમાં ગયેલા તમામ મુદામાલ સહીત કુલ રૂૂપિયા 11.59 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક પૂછતાછમાં પોતે શેર બજારમાં મોટી રકમ હારી ગયો હોવાથી ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોક નજીકથી આરોપી રાજસ્થાનના નિતેશ ખરાડીની ધરપકડ કરવામાં આવી હતી નિતેશે સાગરીત સાથે મળી દીવાનપરા મેઈન રોડ ઉપર આવેલ મનાલી ટેક્સ્ટાઇલ દુકાનમાં અગાસીથી ત્રાટકી 13.26 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીની અંગઝડતી લેતા તેની પસેથી રોકડ રકમ રૂૂપિયા 78,700 મળી આવી હતી જે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ચોરીના ગુનામાં સામેલ રામેશ્ર્વર ઉર્ફે રમેશ નીનામા મોટી રકમ લઈને વતન ભાગી ગયો હોવાનું જાણવા મળતા તેની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલા આરોપી નિતેશ ખરાડી રાજસ્થાનના બાંસવાડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.



