ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
વંથલીમાં એક ખેતરના માલિકે સ્મશાનની દીવાલમાં બાકોરું પાડી ન. પા.ની પાણીની લાઇન ખેતરમાં લઈ લીધી હતી આ બાબતની જાણ નગરપાલિકાના સભ્યો સ્મશાનમાં ગયા ત્યારે જોવા મળતા સભ્યોએ નગરપાલિકાના સ્ટાફને જાણ કરતા ન. પા. ના સ્ટાફ દ્વારા સ્થળ પર જઈ આ જોડાણ કાપી નાખ્યું હતું આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે
વંથલી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સ્મશાને ગયા ત્યારે સ્મશાનની દીવાલમાં બાકોરું પાડી નગરપાલિકાએ આપેલ પાણીની લાઈનના જોડાણમાંથી ખેતરમાં પાણીની પાઇપલાઇન નાખી દીધી હતી ખેતરના માલિક દ્વારા સ્મશાનમાં આવતા સંપના પીવાના પાણીનો ખેતરમાં પાકને પીવડાવવામાં ઉપયોગ થતો હોવાનું જોઈ સભ્યોએ નગરપાલિકાના સ્ટાફને જાણ કરતા સ્ટાફ દ્વારા સ્થળ પર આવી ખેતરમાં જતું જોડાણ કાપી નાખ્યું હતું.
વંથલી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું શાસન છે ત્યારે આ ખેડૂત કેટલા સમયથી પીવાના પાણીનો ઉપયોગ પોતાના ખેતરમાં કરતા હતા એ સવાલના જવાબ માટે ફરિયાદ દાખલ કરવામાં આવે તે અંગે નગરપાલિકાના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે હવે આ અંગે ચીફ ઓફિસર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે પ્રજાજનો રાહ જોઈ રહ્યા છે.



