પોલીસ પર હુમલો કરનાર ટોળકીએ પૈસાની લેતી-દેતીનો હવાલો લીધો
વેપારી યુવકનું અપહરણ કરી બેફામ મારકૂટ કરી ‘50 લાખ નહીં આપે તો તને અને તારા પરિવારને મારી નાખીશ’ કહી ધમકી આપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના યુનિવર્સિટી રોડ પરના નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા આનંદભાઈ ગિરધરભાઈ કણસાગરા ઉ.39 સાથે તેના બે પૂર્વ ભાગીદારોને લાખોની લેતીદેતીનો વિવાદ ચાલતો હતો. બંને પૂર્વ ભાગીદારોએ જેનો હવાલો રૂખડિયાપરાની ગેંગને આપ્યો હતો જેથી ટોળકીએ આનંદભાઈનું કારમાં અપહરણ કરી તેને ઢોર માર મારી ધમકી દેતા ચકચાર મચી જવા પામી છે.
આનંદભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે રાજકોટના સુમિત ભીમાણી, અમિત પ્રફુલચંદ્ર કાચા, ગોરધનભાઈ ઠુમ્મર અને જિનેશ મહેતા સાથે ભાગીદારીમાં ઓરિસ્સા રાજ્યમાં આરસીસી પાઈપ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હતી. જેમાં ભાગીદાર તરીકે ગોરધનભાઈનું હતું. પરંતુ તેનો વહીવટ તેનો પુત્ર હિરેન કરતો હતો. આરસીસી પાઇપ ત્યાંની ગર્વમેન્ટને સપ્લાય કરતા હતા. ભાગીદારો વચ્ચે પ્રોબ્લેમ થતાં 2021માં ફેક્ટરી બંધ કરી દીધી હતી. જેને કારણે ભાગીદાર અમિતે કંપનીનું એકાઉન્ટ પણ બંધ કરાવી દીધું હતું આ સમય દરમિયાન લોકડાઉન ચાલુ હતો. તે વખતે પૈસાની જરૂર પડતાં તેણે પોતાના મકાનનો ભાગીદાર અમિતને દસ્તાવેજ કરી આપ્યો હતો. જેણે બાદમાં તે મકાન ઉપર 25 લાખની લોન કંપનીના ઉપયોગમાં લેવા માટે લીધી હતી. આમ છતાં કંપની બરાબર ચાલતી ન હોવાથી ભાગીદારો અમિત, ગોરધનભાઈ અને જિનેશ છૂટા પડી ગયા હતાં.
તે વખતે તેણે અને બીજા ભાગીદાર સુમિતે ત્રણેયને રૂા. 75 લાખ ચૂકવવાના હતાં. સિક્યોરિટી પેટે તેણે ફેક્ટરીના નામનાં ચેક પણ ત્રણેયને આપ્યા હતાં. 2024ની સાલમાં તે પણ ફેક્ટરીમાંથી છૂટા થઈ ગયા હતા. તે વખતે સુમિતે એકલાએ ફેક્ટરી સંભાળી લીધી હતી. તેને અને સુમિતને એવી વાત થઇ ગઇ હતી કે ત્રણેય પૂર્વ ભાગીદારોને તેણે જે રૂપિયા આપવાના છે તે હવે સૂમિત ચૂકવશે. આ વાત તેણે પૂર્વ ભાગીદારો અમિત અને હિરેનને પણ કરી હતી. જેથી બંનેએ તેને કહ્યું કે તારે અમને 50 ટકા રૂપિયા તો આપવા જ પડશે, તું છૂટો થયો એમાં અમારે કાંઈ લેવા દેવા નથી ત્યાર પછી અમિતે પોતાની પાસે રહેલો કંપનીનો ચેક બેન્કમાં નાખતા રિટર્ન થયો હતો. જેને કારણે તેણે તેની અને સુમિત સામે કોર્ટમાં કેસ કર્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે બારેક દિવસ પહેલા તેના ઘરે જાહીર મહમદ રફીક સંઘવાણી અને સમીર ઉર્ફે ધમો બશીરભાઈશેખ આવ્યા હતાં. આવીને બંનેએ ફોનમાં કોઈની સાથે વાત કરાવી હતી. જેમાં સામાવાળા માણસે તેને કહ્યું કે તમારે અમિત અને હિરેનને રૂપિયા આપવાના છે, તે ક્યારે આપશો. જેની સામે તેણે કહ્યું કે તે રૂપિયા હવે સુમિતભાઈએ આપવાના છે. જેની સામે સામાવાળાએ કહ્યું કે તું ગમે તે કર, તારે રૂપિયા આપવા જ પડશે. બાદમાં જાહીરે તેને બીજા દિવસે પોતાની ઓફિસે આવવાનું કહ્યું હતું. પરંતુ તેણે જવાનો ઈન્કાર કર્યો હતો.
- Advertisement -
બીજા દિવસે જાહીરે તેને વોટ્સએપ કોલ કર્યો હતો પરંતુ તેણે રિસીવ કર્યો ન હતો. ગઈ તા. 25નાં રોજ ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં તારીખ હોવાથી ગયા હતા. ત્યારે સુમિતભાઈ પણ ઓરિસ્સાથી કોર્ટમાં તારીખે આવ્યા હતાં. બંનેએ યુનિવર્સિટી રોડ પર આવેલી હોટલમાં સાથે જમવાનું નક્કી કર્યું હતું. જે માટે તે પોતાનું ટુ વ્હીલર લઈ હોટલે જવા રવાના થયા હતા ત્યારે એફએસએલ કચેરી પાસે કાળા કલરના કાચવાળી નંબર વગરની સ્કોર્પિયોમાં ધસી આવેલા જાહીર, સમીર, ઈશોભા રીજવાન દલ અને મીરખાન રઇસ દલે છરી બતાવી કહ્યું કે તું અમારી ગાડીમાં બેસી જા નહીંતર અહીં જ તારું પુરું કરી નાખીશું જેને કારણે તે ડરી જતાં તેને બળજબરીથી સ્કોર્પિયોમાં બેસાડી દીધા બાદ ચાલુ ગાડીએ આડેધડ ઢીકાપાટુનો માર મારી કહ્યું કે તું કેમ ભેગો થતો નથી અને અમારા ફોન કેમ ઉપાડતો નથી. તે સાથે જ તેની જમણી આંખમાં મૂક્કો મારતાં ઈજા થઈ હતી. તેને હનુમાન મઢી બાદ રૂખડિયાપરામાં માલઢોર બાંધવાના ખુલ્લા વાડામાં લઇ ગયા હતાં. જ્યાંથી જાહીરે કોઈને કોલ કરતાં થોડીવાર બાદ ચાર અજાણ્યા શખ્સો પાઈપ સાથે ધસી આવ્યા હતા.
આ વખતે જાહીરે કહ્યુ કે તારે અમિત અને હિરેનના રૂપિયા આપવા પડશે, જેનો પૈસાનો હવાલો મેં લીધો છે. જેની સામે તેણે બંને સાથે વાત કરાવવાનું કહેતા જાહીરે અમિતને કોલ લગાડયો હતો. તે વખતે અમિતે કહ્યું કે તારે મને પ0 ટકા રૂપિયા આપવા પડશે. બાદમાં ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ તમામ આરોપીઓએ તેને પાઇપ વડે મારકૂટ કરી આડેધડ ગડદાપાટુનો માર માર્યો હતો.
એટલું જ નહીં જાહીરે તેનો વીડિયો ઉતાર્યો હતો. જેમાં તેની પાસે એવું બોલાવ્યું હતુંકેતેને અમિતને રૂા. 50 લાખ આપવાના છે, જેમાંથી રૂા. 5 લાખ રવિવાર સુધીમાં આપી દેશે. બાદમાં ફરીથી માર માર્યો હતો. સાથોસાથ એવી ધમકી આપી હતી કે રવિવાર સુધીમાં રૂા. પલાખ નહીં દે તો તને અને તારી પુત્રીનેછરીના ઘાઝીંકી દેશું, પોલીસ ફરિયાદ કરીશ તો પણ તારા પરિવારને છરીના ઘા ઝીંકી દેશું. બાદમાં તેને બલેનો કારમાં બેસાડી આકાશવાણી ચોક પાસે મૂકી ગયા હતાં.



