મનપા કમિશનરે 3112 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું
રાજકોટવાસીઓ ઉપર 150 કરોડનો નવો કરબોજ સૂચવતું બજેટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેર દ્વારા નાણાકીય વર્ષ 2025-26નું લીવેબલ થીમ સાથેનું 3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ મનપા દ્વારા ફાયર ટેક્સ વસૂલવા માટે સૂચન કરાયું છે અને એ પણ મિલ્કત વેરા સમકક્ષ ફાયર ટેક્સ વસૂલવા માટે ડ્રાફ્ટ બજેટમાં સૂચન કરાયું છે. બીજી તરફ મિલ્કત વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં પણ જંગી વધારો સૂચન કરાયું છે.
રાજકોટ મનપાના કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આજે 3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત લીવેબલ થીમ સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. લીવેબલ થીમ એટલે કે શહેરને વધુ લીવેબલ બનાવવા માટે લીવેબલ સિટીના વૈશ્ર્વિક માપદંડોને ધ્યાનમાં રાખી આયોજન કરી ફંડની ફાળવણી પણ કરવામાં આવી છે. લીવેબલ ઈન્ડેક્ષ મુજબ મુખ્યત્વે માળખાકીય સુવિધા જેવી કે શિક્ષણ અને આરોગ્ય, તેમજ સામાજિક આર્થિક ભૌતિક અને સંસ્થાકીય સુવિધા મજબૂત બનાવવામાં આવશે. જેમાં બજેટનું વિતરણ 59% ભૌતિક, 6% આર્થિક, 18% સામાજિક અને 17% સંસ્થાકીય ફાળવણી કરવામાં આવી છે.
- Advertisement -
તેમને વધુમાં જણાવ્યું હતું કે, જાહેર પરરવહન મજબૂત કરી પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી 100 નવી ઈગૠ બસ અને 34 ઇલેક્ટ્રિક બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. નવી 100 બસ માટે સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવર ખાતે અંદાજીત રૂ.7.92 કરોડ ના ખર્ચે ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કરેલ છે. એટલું જ નહિ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બસ સેવા શરૂ કરવામાં આવશે અને તેમાં અઈં સિસ્ટમ નો ઉપયોગ કરવા માટે વિચારણા ચાલી રહી છે જેમાં મુસાફર દ્વારા પોતાની ટિકિટ બોર્ડિંગ સ્કેન કરી એપીકેશનમાં અપલોડ કરવામાં આવશે તો નજીકમાં તેમને ચોક્કસ સમય આપી પીકપ માટે સેવા કાર્યરત કરવામાં આવી શકે છે.
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને મિલકત વેરામાં પણ 25% સુધીનો વધારો સૂચવાયો

રાજકોટ મનપા કમિશનર દ્વારા રજૂ કરાયેલ ડ્રાફ્ટ બજેટમાં આ વખતે જંગી વધારો ઝીકવામાં આવ્યો છે. મકાનવેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 4 રૂપિયાનો વધારો કરી 11 ના બદલે 15 રૂપિયા કરવા કરાયું સૂચન જયારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 5 રૂપિયાનો વધારો કરી 25ના બદલે 30 રૂપિયા કરવા સૂચન કર્યું છે એટલે કે મકાનવેરા મારફત આ વધારાથી મનપાને 40 કરોડની આવક થવાની ધારણા છે જયારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં 4 ગણો વધારો કરી રહેણાંક મિલકતો માટે 365થી વધારી સીધો 1460 રૂપિયા અને બિન રહેણાંક મિલ્કતો માટે બમણો વધારો કરી 2920 રૂપિયા કરવા સૂચન કર્યું છે.
રાજકોટમાં ફાયર ટેક્સ વસુલવાની શરૂઆત કરવા સૂચન કરાયું જેમાં રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર 15 રૂપિયા તથા બિન રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટર 25 રૂપિયા વસૂલવા સૂચન કરાયું છે હવે શાશકો દ્વારા આ બજેટનો અભ્યાસ કરી બજેટ રજૂ કરવામાં આવશે જેમાં રાજકોટવાસીઓ પર સૂચવવામાં આવેલ કરબોજ ઘટાડવામાં આવશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. આ ઉપરાંત ચાલુ વર્ષે વાહન વેરામાં 30 કરોડની આવક થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. અને થિયેટર ટેક્સ ગત વર્ષે 10 લાખ સામે આ વર્ષે 12 લાખની આવક થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
બજેટમાં ચાલુ વર્ષે રૂ. 167.25 કરોડના ખર્ચે કટારીયા ચોક આઇકોનિક બ્રિજ અને રૈયા રોડ પર 15.19 કરોડના ખર્ચે ફોરલેન બ્રિજ બનાવવામાં આવશે. આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલય ખાતે 3.20 કરોડના ખર્ચે રેસ્ટિંગ સેડ રીનોવેશન, કમ્પાઉન્ડ દીવાલ બાંધકામ, પાંજરામાં રીનોવેશન સહીત કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ એશિયાટિક લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ માટે કુલ રૂપિયા 43.15 કરોડના ખર્ચે જુદા જુદા કામો હાથ ધરવામાં આવશે જેમાં કમ્પાઉન્ડ દીવાલ, આકર્ષક ગેઇટ સહિત સુવિધા બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આજના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા અઈં ટેક્નોલોજી, ઈ ગર્વનર સહીતની બાબતોમાં ભાર મુકવામાં આવ્યો છે બીજી તરફ વર્ષોથી બજેટમાં ચર્ચામાં રહેતા એક માત્ર આજી રિવર ફ્રન્ટ તેમજ ગત વર્ષે મેટ્રો રેલ માટે પ્રોજેક્ટને બાજુ પર મૂકી દેવામાં આવેલ છે અને તે માટે કોઈ જોગવાઈ કે અપડેટ બજેટમાં દર્શાવવામાં આવેલ નથી ત્યારે હવે સ્ટેન્ડિંગ કમિટી રાજકોટની જનતા પર કરબોજ વાળું બજેટ રજૂ કરશે કે કરબોજ વગરનું બજેટ રજૂ કરશે તે જોવું મહત્વનું રહેશે.



