ખાસ-ખબર ન્યૂઝ સીરિયા, તા.31
સીરિયન વિદ્રોહી જૂથ તહરિર અલ-શામના નેતા અબુ મોહમ્મદ અલ-જુલાનીએ બુધવારે દમાસ્કસમાં બંધારણને ખતમ કરીને પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા. સીરિયન ન્યૂઝ એજન્સી જઅગઅ અનુસાર, કમાન્ડર હસન અબ્દેલઘાનીએ કહ્યું કે દેશમાં સંપૂર્ણ સ્થિરતા ન થાય ત્યાં સુધી જુલાની રાષ્ટ્રપતિ પદ પર રહેશે. અબ્દેલઘાનીએ કહ્યું કે સીરિયાની સંસદ પણ ભંગ કરી દેવામાં આવી છે. નવું બંધારણ અમલમાં ન આવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ એક હંગામી વિધાનસભાની રચના કરશે. જો કે આ માટે કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી. અબ્દેલઘાનીએ એમ પણ કહ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદની બાથ પાર્ટી સાથે સંકળાયેલા તમામ સંગઠનો અને સંસ્થાઓને વિસર્જન કરવામાં આવશે. તેમજ તેમની તમામ મિલકતો પર સીરિયન સરકારનું નિયંત્રણ રહેશે. ગયા મહિને, ઇંઝજએ સીરિયામાં બળવો કરીને રાજધાની દમાસ્કસ પર કબજો કર્યો હતો. આ સાથે જ અસદ પરિવારના 54 વર્ષના શાસનનો અંત આવ્યો. તત્કાલિન રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ભાગીને મોસ્કોમાં શરણ લીધી હતી. જુલાનીને અહમદ અલ-શરા નામથી પણ ઓળખવામાં આવે છે. તેણે વર્ષ 2000માં મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. ઉદાર ઇસ્લામના વાતાવરણમાં ઉછરેલા જુલાની જ્યારે કોલેજમાં પહોંચ્યો ત્યારે તેણે કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારા ધરાવતા લોકોનો સામનો થયો હતો.
2003માં જ્યારે તેને ખબર પડી કે અમેરિકા ઈરાક પર હુમલો કરવા જઈ રહ્યું છે ત્યારે તે ચિંતિત થઈ ગયો અને તેણે મેડિકલનો અભ્યાસ છોડી દીધો અને યુદ્ધ લડવા ગયો. ઇરાક પહોંચ્યા બાદ જુલાની અલકાયદાના સંપર્કમાં આવ્યો હતો. જૂન 2006માં તે અમેરિકન આર્મી દ્વારા પકડાયો અને જેલમાં ધકેલવામાં આવ્યો હતો.
જેલમાં હતો ત્યારે જુલાની બગદાદી સાથે જોડાયેલા લોકોના સંપર્કમાં આવ્યો હતો. 2011માં જેલમાંથી છૂટ્યા બાદ તેણે સીરિયામાં અનેક હુમલા કર્યા હતા. તેણે 2012માં અલ કાયદાની સીરિયન શાખા જમાત અલ-નુસરની રચના કરી હતી.
2017માં, જુલાનીએ હયાત તહરિર અલ-શામની રચનાની જાહેરાત કરતો એક વીડિયો બહાર પાડ્યો હતો. તેણે કહ્યું કે તેમના સંગઠનનો કોઈ બહારના દેશ કે પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ર્ય સીરિયાને અસદ સરકારથી મુક્ત કરાવવાનો છે. 2018માં, અમેરિકાએ ઇંઝજને આતંકવાદી સંગઠન જાહેર કર્યું અને અલ-જુલાની પર 10 મિલિયન ડોલરનું ઇનામ પણ રાખ્યું. જો કે, ઉથલપાથલ બાદ અમેરિકાએ આ ઈનામ હટાવી દીધું. જ્યારે 2016માં સીરિયાનું ગૃહયુદ્ધ સમાપ્ત થયું, ત્યારે જુલાનીએ તેના લડવૈયાઓને મજબૂત બનાવવાનું શરૂ કર્યું. તેણે ચીનના ઉઇગર મુસ્લિમોથી લઈને આરબ અને મધ્ય એશિયા સુધીના લોકોની મદદથી પોતાની સેના તૈયાર કરી.
તેણે યોગ્ય સમયની રાહ જોઈ, જે ઇઝરાયલ-હમાસ યુદ્ધ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આવ્યો. 2022માં, યુક્રેનમાં યુદ્ધ શરૂૂ થયું અને રશિયા ત્યાં વ્યસ્ત થઈ ગયું. જેના કારણે રશિયાએ સીરિયામાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચી લીધા હતા.
ત્યારબાદ 2023માં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું. પરિણામ એ આવ્યું કે સીરિયામાં અસદને મદદ કરી રહેલા ઈરાન અને હિઝબુલ્લાહ હવે તેની તરફ ધ્યાન આપી શકતા ન હતા. હસન નસરાલ્લાહના મૃત્યુ બાદ હિઝબુલ્લાહ નબળું પડી ગયું હતું. આનો ફાયદો ઉઠાવીને જુલાનીએ સીરિયાની સેના પર હુમલો કર્યો અને 11 દિવસમાં રાષ્ટ્રપતિને હટાવી દીધા.
સીરિયા: વિદ્રોહી જૂથના નેતા અબુ મોહમ્મદ અલ-જુલાનીએ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા



