અહંકાર, લાલચ અને ખરાબ સંગત ત્યાગ કરવાનો સંકલ્પ લેવો જોઈએ
રામકથાની એવી વાતો જે આપણા જીવનને બનાવશે પ્રકાશવાન
- Advertisement -
દિવાળીના તહેવાર સાથે રામાયણનો ગાઢ સંબંધ છે. એવું માનવામાં આવે છે કે, સૌ પ્રથમ વખત દિવાળી અયોધ્યામાં ભગવાન શ્રી રામના વનવાસ પરથી પરત ફર્યાના ઉત્સાહમાં ઉજવવામાં આવી હતી. આ દિવસે અયોધ્યાવાસીઓએ દીવડા પ્રગટાવી અયોધ્યાને પ્રકાશિત કર્યું હતું અને શ્રી રામનું સ્વાગત કર્યું હતું. ત્યારથી લઈ આજ સુધી દીપ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. જો પ્રકાશના આ તહેવારની શરૂઆત રામાયણકાળથી થઈ છે તો આ દિવાળીના પ્રસંગે રામકથામાંથી શીખી આપણા જીવનને પ્રકાશવાન કરી શકાય એવી વાતો જાણવી જરૂરી બની જાય છે.
હંમેશા જીત સત્યની થાય છે : રામાયણની કથા અનુસાર રાવણની પાસે તમામ સુખ-સુવિધાઓ હતી, મોટી સેના હતી તેમ છતાં તે એક વનવાસી રામના હાથે માર્યા ગયા. આમ, દુષ્ટતા કેટલી પણ બળવાન કેમ ન હોય વિજય હંમેશા સચ્ચાઈનો જ થાય છે. તેથી હંમેશા સચ્ચાઈનો સાથ આપવો અને સારા કર્મો કરવા.
અહંકાર વિનાશનું કારણ બને છે : રાવણ ખૂબ જ જ્ઞાની હતો અને મહાદેવનો સૌથી મોટો ભક્ત પણ હતો. રાવણ કુશળ રાજનતીતિજ્ઞ હતો પરંતુ આ તમામ ગુણો છતાં તેનો અહંકાર તેના મૃત્યુનું કારણ બન્યો. એટલા માટે ક્યારેય પણ અહંકાર કરવો જોઈએ નહીં અને હંમેશા વિનમ્ર રહેવું જોઈએ.
- Advertisement -
વધુ લાલચનું પરિણામ ખરાબ હોય છે : રાવણની પત્ની મંદોદરી વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓમાના એક હતા. તેઓ એટલા પતિવ્રતા સ્ત્રી હતા કે રાવણને અમર બનાવવા માટે અમૃત પણ લઈ આવ્યા હતા. તેમ છતાં રાવણના મનમાં સીતાને જોઈને લાલચ જન્મી, જે તેના પરાજયનું કારણ બની. એટલા માટે ક્યારેય પણ લાલચમાં અંધ બનવું જોઈએ નહીં, જેટલું મળ્યું છે તેનો આભાર માનવો.
ખરાબ સંગત વિનાશક હોય છે : મહારાજ દશરથની સૌથી પ્રિય રાણી કૈકેયીપોતાના પુત્ર ભરત કરતા પણ રામને વધુ પ્રેમ કરતા હતા. કૈકેયીની દાસી મંથરા સ્વભાવે સ્વાર્થી અને ઈર્ષાળુ હતી. જેના પ્રભાવમાં આવીને કૈકેયીએ ભગવાન રામને વનવાસ મોકલ્યા હતા. ખરાબ સંગતને કારણે કૈકેયીને જીવનભર કમાયેલું માન-સન્માન ગુમાવું પડ્યું. એટલા માટે આપણે પણ સમજી વિચારીને મિત્ર બનાવવા.
ધૈર્યનું ફળ મીઠું હોય છે : શબરી રામની ખૂબ મોટી ભક્ત હતી. તેમના દર્શન માટે શબરીએ આજીવન પ્રતિક્ષા કરી. અંતમાં સ્વયં રામ ચાલીને તેમની પાસે આવ્યા હતા અને તેમના એઠા ફળ ખાધા હતા. આપણે જીવનના મોટા લક્ષ્યો પૂરા થવામાં સમય લાગી શકે છે, ધીરજ સાથે સતત કામ કરતા રહેવાથી સફળતા અચૂક મળે છે.
કોઈને ઓછું આંકવું જોઈએ નહીં : રામાયણમાં ભગવાન શ્રી રામે રાવણ વિરુદ્ધના યુદ્ધમાં પોતાની વાનર સેનાની મદદથી વિજય મેળવ્યો હતો. તેમને પોતાની સેનામાં કોઈ પણને નાના કે નિર્બળ સમજ્યા નહીં, પરંતુ તમામને એક સમાન માન આપ્યું. જ્યારે આપણે અન્યને બરાબરી અને સન્માન આપીશું તો તેઓ પણ આપણું સન્માન કરશે.