અન્ય રાજ્યમાંથી બાળકો આખા પરિવાર અથવા માતા અને તેનાં બાળકને ગુજરાતના ટ્રાફિક સિગ્નલ પર લાવીને ભીખ મગાવવાની આખી સિસ્ટમ સામે આવી છે, દલાલો રાજસ્થાનનાં નાનકડાં ગામોમાં જઈને ગરીબ પરિવારોને અમદાવાદ લઈ આવે છે અને પોશ વિસ્તારના ટ્રાફિક સિગ્નલ પર ભીખ મગાવડાવે છે
દલાલો રેટ મુજબ પરિવારને પૈસા ચૂકવતા, SG હાઈવેના રૂ.150, સીજી રોડના 100 આપતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.27
રાજસ્થાનથી માસૂમ બાળકોને અમદાવાદ લાવી ટ્રાફિક સિગ્નલો પર ભીખ મગાવવાનું એક મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, દલાલો ભીખ મગાવવા રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી બાળકો સહિત તેના આખા પરિવારને લઈ આવે છે અને અહીં ટ્રાફિક સિગ્નલ પર ભીખ મગાવે છે. તેમાંય વિસ્તાર મુજબ રોજે રોજ બાળકો પાસે ભીખ મગાવડાવી સાંજે નક્કી થયેલા રેટ મુજબ રૂપિયા બાળકોના પરિવારને ચૂકવી દેવામાં આવે છે. દરેક વિસ્તારના ટ્રાફિક સિગ્નલનું રેટકાર્ડ પણ નક્કી કરવામાં આવ્યું છે. પોશ વિસ્તાર એસજી હાઈવે હોય તો 150 રૂપિયા અને સીજી રોડ હોય તો 100 રૂપિયા એમ રેટ નક્કી કરેલા છે. આ આખા રેકેટનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ થયો છે. જેમાં 15 બાળકોને હ્યુમન ટ્રાફિકિંગ હેઠળ લવાયાં હોવાથી 9 ફરિયાદ થઈ છે. આ તમામ 15 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક બાળકીઓ પણ છે. આ બાળકીઓ સાથે અનૈતિક કૃત્ય થયું છે કે નહીં એ જાણવા માટે પોલીસે મેડિકલ ચેકઅપ કરાવવાનું શરૂ કર્યું છે.
શહેરનો એસજી હાઇવે હોય તો 150 રૂપિયા અને સીજી રોડ હોય તો 100 રૂપિયા તેમ સિગ્નલ પર ભીખ માગનારાઓનો રેટ નક્કી થયો છે. આ હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક દિવસમાં 9 ફરિયાદ કરી છે અને 15 બાળકોને રેસ્ક્યૂ કર્યાં છે. જ્યારે બીજી માસૂમ બાળકીઓની સાથે કોઈ અનૈતિક કૃત્ય થયું છે કે નહીં તે ચેક કરવા માટે તેમનું મેડિકલ ચાલી રહ્યું છે. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુલ 9 ફરિયાદ નોંધાવી છે. જેમાં હ્યુમન ટ્રાફિકિંગની વાત સામે આવી છે અને આ સમગ્ર મામલો અમદાવાદ શહેરના મોટા ટ્રાફિક જંક્શનથી શરૂઆત થઈને રાજસ્થાનનાં નાનાં ગામડાઓ જેમાં ડુંગરપુર અને અંતરિયાળ ગામો સુધી પહોંચે છે. જ્યાંથી એજન્ટો આ બાળકો જે 15 વર્ષથી નીચેનાં છે તેમને ત્યારબાદ માતા અને તેના નવજાત શિશુ અને તેની સાથે આખા પરિવારને ભીખ માગવા માટે રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યા છે.
- Advertisement -
ભીખ માગવાના રૅકેટના રેટકાર્ડ પણ પોલીસને મળ્યાં
અમદાવાદ શહેરમાં ટ્રાફિક જંક્શન પર અલગ અલગ જગ્યાએ ભીખ માગવાનો આખો કારોબાર ચાલતો હોય તો તે હવે સ્પષ્ટ થઈ ગયું છે અને આ કારોબારમાં અનેક લોકો સંડોવાયેલા છે. એક સિગ્નલ પર 150 રૂપિયા ત્યારે બીજા સિગ્નલ પર તેનાથી ઓછા અને આખા ભીખ માગવાના રેકેટના રેટકાર્ડ પણ હવે પોલીસ પાસે આવ્યાં છે. આ રેકેટમાં છેલ્લા કેટલાક દિવસથી સામેલ બાળકોને બચાવવાનું કામ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.
રૅકેટની અંદર 15થી 16 વર્ષની બાળકીઓ પણ
આ બધાની વચ્ચે દરેક ટ્રાફિક સિગ્નલનું એક રેટ લિસ્ટ છે જે પ્રમાણે એજન્ટો પૈસા વસૂલે છે તેમાં પણ ખાસ કરીને દરેકને ટાર્ગેટ હોય છે અને તે પ્રમાણે જો વસૂલાત ના થાય તો તેમને પરત મોકલી દેવામાં આવે છે. તેમાંય પણ ચોંકાવનારી વાત એ છે કે, આ સમગ્ર ભીખ માગવાના રેકેટની અંદર 15થી 16 વર્ષની બાળકીઓ પણ છે. જેમની સાથે કોઈ શોષણ થયું હોય એવી શંકાના આધારે બાળકીઓનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે.
અત્યાર સુધીમાં કુલ 33 બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં
અત્યાર સુધીમાં કુલ 33 બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે. જે અલગ અલગ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે જે વિગત આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. કારણ કે રેસ્ક્યૂ કરાયેલાં બાળકોની સંખ્યા 15 છે અને તેમને રીતસર એજન્ટો મારફતે અમદાવાદ લાવવામાં આવ્યાં છે.



