મહિલાનું મોત, દીકરી સારવારમાં: પતિએ મૃતક પત્ની સામે નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે.
માતાએ પોતાની જ 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ લેતા મહિલાનું મોત થયું છે જ્યારે બાળકી જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતી હોય તેણીને સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી બનાવ અંગે પોલીસ પતિની ફરિયાદ પરથી મૃતક પત્ની સાથે દીકરીની હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં ઉપલેટાના ભીમોરા ગામે રહેતા અને ખેતીકામ કરતાં જગાભાઈ ગાંડાભાઈ મકવાણા પતિએ તેની મૃતક પત્ની મનીષાબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારે સંતાનમાં એક દીકરી 9 માસની છે મારા લગ્ન મઘરવાડા ગામે રહેતા ધનાભાઈ નારણભાઈ જાપડાની દીકરી મનિષા સાથે 2 વર્ષ પહેલાં થયા હતાં.
ગત બપોરના 3 વાગ્યે મારી પત્ની મનિષાનો ફોન આવ્યો હતો અને મને વાત કરી કે, મેં એસિડ પી લીધું છે, તમે ઘરે આવો.
આથી હું, મારા માતા અને ભાઈ બાઈક લઈ ઘરે આવ્યા હતા અને જોયું તો રૂમમાં મારી પત્ની ગાદલા ઉપર આળોટતી હતી અને ઊલટીઓ કરતી હતી. તેમજ મારી દીકરી ધાર્મી પણ ઊલટીઓ કરતી હતી તેના મોઢા ઉપર ફીણ આવી ગયાં હતાં.
મારા મામાને બોલાવી કાર મારફત બંનેને ઉપલેટા હોસ્પિટલે ખસેડયા હતા જોકે, સારવાર દરમિયાન મારી પત્નીનું મોત થયું હતું અને મારી દીકરી ધાર્મીની તબિયત વધારે ગંભીર થતા તેને મારા મોટાભાઈ રામભાઈ ઘેલાભાઇ મકવાણા રાજકોટ સરકારી દવાખાને સારવારમાં લઈ ગયા હતા મારી પત્ની મનિષાએ કોઈ કારણે આવેશમાં આવી પોતે જાતે એસિડ પી દીકરી ધાર્મીને પણ મારી નાખવાના ઇરાદે એસિડ પીવડાવી પોતે મરણ ગયેલ હોવાનું જણાવતા ઉપલેટા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.