કુવાડવા, ડીસીબી, એલસીબી અને બી ડિવિઝન પોલીસના ચાર દરોડા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને વધુ રંગીન બનાવવા બુટલેગરો મેદાનમાં ઉતર્યા છે તેની સામે પોલીસ પણ એટલી જ એક્ટિવ થઈ હોય તેમ એક જ દિવસમાં કુવાડવા, ડીસીબી, એલસીબી અને બી ડિવિઝન પ્લીસએ દારૂના ચાર દરોડા પાડી 8,87,600ના દારૂ સાથે ચાર શખ્સોને ઝડપી લઈ બેની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ બી પી રજ્યા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે મઘરવાડા ગામની સીમમાં સ્મશાન પાસે દરોડો પાડતા એક બિનવારસી હાલતમાં આઇસર મળી આવ્યું હતું જેની જડતી લેતા તેમાંથી પ્રથમ લાકડાની સીટો ભરેલા બાચકા મળી આવ્યા હતા જે હટાવીને જોતાં અંદરથી 180 એમએલના દારૂના 1056 ચપલા અને 1176 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ, આઇસર સહિત 27,01,600 રૂપિયાનો મુદામાલ કબજે કરી નાસી છૂટેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે જ્યારે એલસીબી ઝોન 1 પીએસઆઈ બી વી બોરીસાગર અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિજેન્દ્રસિહ ઝાલા અને જિતુભા ઝાલાને મળેલી બાતમી આધારે દારૂ ભરેલી સ્કોર્પિયો અટકાવવા ઈશારો કરતાં તેણે કાર ભગાડી મૂકતાં પોલીસે કારનો પીછો કર્યો હતો અને અંતે નવાગામ આણંદપર પાસે ગાડીને રોકી લેવામાં પોલીસને સફળતા મળી હતી પોલીસે કારની જડતી લેતા અંદરથી 43,200નો 72 બોટલ દારૂ મળી આવતા દારૂ, કાર, મોબાઈલ સહિત 4,56,200ના મુદામાલ સાથે નવાગામના જયંતી રાઘવ ચૌહાણ અને આંબાવાડીના સાંજ ધીરુ ગણોદિયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પીએસઆઈ એ એન પરમાર અને ટીમને મળેલી માહિતી આધારે સ્લમ ક્વાટર પાછળ દરોડો પાડી 79,200 રૂપિયાનો દારૂ બીયર ભરેલી કાર સાથે નહેરુનગરના પ્રતાપસિહ સુખદેવસિહ જાડેજા ઉ.24ની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ સહિત 3,89,200નો મુદામાલ કબજે કર્યો છે તેમજ પ્રાથમિક પૂછતાછમાં ખિજડાવાળા રોડ ઉપર રહેતા હાર્દિક સભાડનું નામ ખૂલતાં તેની શોધખોળ હાથ ધરી છે પ્રતાપ સામે દારૂ, મારામારીમાં સાત ગુના અને હાર્દિક સામે ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.
તેમજ બી ડિવિઝન પીઆઇ એસ એમ જાડેજા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે પીએસઆઈ કે ડી મારુ અને ટીમે જૂન મોરબી રોડ ઉપર વોચ ગોઠવી 75,600 રૂપિયાનો દારૂ ભરેલી કાર સાથે મોરબી રોડ સદગુરુ પાર્કના હરેશ રામજીભાઇ નગવાડીયાની ધરપકડ કરી 1,30,600નો મુદામાલ કબજે કર્યો છે.