અત્યાર સુધીમાં 156 દર્દીઓ સાજા થયા : 45 દર્દી હજુ સારવાર હેઠળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં કોરોનાના કેસોમાં ફરી વધારો જોવા મળ્યો છે. આજે શુક્રવારે વધુ 6 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના પગલે શહેરમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 201 પર પહોંચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 156 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. હાલ શહેરમાં 45 દર્દી હજુ સારવાર હેઠળ છે. નવા 6 કેસની વિગતો જોઈએ તો તેમાં વિવિધ વિસ્તારોના લોકોનો સમાવેશ થાય છે. જેમાં વોર્ડ નં. 3 રેલનગર વિસ્તારમાં રહેતા 39 વર્ષીય પુરુષ, વોર્ડ નં. 6 મેહુલનગર વિસ્તારમાં રહેતાં 31 વર્ષીય પુરુષ, વોર્ડ નં. 8 સરસ્વતી સોસાયટીના 34 વર્ષીય મહિલા અને વોર્ડ નં. 12 ગૌતમ બુદ્ધ નગરના 13 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વોર્ડ નં. 10 રૈયાનાકા ટાવર પાસે રહેતાં 26 વર્ષીય પુરુષ અને વોર્ડ નં.10 રૈયાનાકા ટાવર પાસે રહેતાં 55 વર્ષીય મહિલા પણ સંક્રમિત થયા છે.
શહેરમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલો વધારો ચિંતાજનક છે. તંત્ર દ્વારા લોકોને કોવિડ-19ની ગાઈડલાઈન્સનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે. માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવું, વારંવાર હાથ ધોવા અને બિનજરૂરી ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત જે લોકોએ હજુ સુધી રસીનો ડોઝ ન લીધો હોય અથવા બુસ્ટર ડોઝ બાકી હોય તેમને તાત્કાલિક રસીકરણ કરાવી લેવા પણ અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. નાગરિકોના સહયોગથી જ કોરોનાના આ ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.