– ભારતમાં 6.8 લાખ લોકોનો ભોગ લીધો

ભારત સહિત સમગ્ર વિશ્વનાં કોરોનાના ભરડામાંથી બે વર્ષે મહદઅંશે માંડ છુટકારો થયો છે ત્યારે ‘ધ લાન્સેટ’ના રીપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે માત્ર કોરોના જ નહીં, અન્ય પાંચ બેકટેરીયા પણ ઘણા ઘાતક છે. ભારતમાં આ પાંચ બેકટેરીયાએ 2019માં 6.8 લાખ લોકોનો ભોગ લીધો હતો.

લાન્સેટના રિપોર્ટ પ્રમાણે ન્યુમોનીયા, યુરીનને લગતા ચેપ તથા ઝાડા જેવી બીમારી નોતરતા ઈ-કોલી બેકટેરીયાથી 2019માં ભારતમાં 1.6 લાખ લોકોએ જાન ગુમાવ્યા હતા. જયારે અન્ય ચાર પ્રકારના બેકટેરીયાએ પાંચ લાખથી વધુ લોકોનો ભોગ લીધો હતો. જુદા-જુદા 76 પ્રકારના બેકટેરીયલ ઈન્ફેકશનથી કુલ 13.7 લાખ લોકોનો ભોગ લેવાયો હતો.

માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના અન્ય દેશોમાં પણ બેકટેરીયાના ચેપથી મોતને ભેટેલા લોકોની સંખ્યા લાખોમાં થવા જાય છે. વિશ્વસ્તરે આ સંખ્યા 1.3 કરોડ થવા જાય છે તે પૈકીના 77 લાખ મોત 33 પ્રકારના બેકટેરીયા આધારીત રોગચાળાથી થયા હતા જયારે સૌથી ઘાતક પાંચ બેકટેરીયાની બિમારીથી જ અર્ધોઅર્ધ મોત હતા.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ઈન્સ્ટીટયુટ ફોર હેલ્થ ઈવેલ્યુએશનના ડાયરેકટર તથા ઉકત અભ્યાસના સહલેખક ક્રિસ્ટોફર મુરેએ જણાવ્યું હતું કે વિશ્વસ્તરે આરોગ્ય ક્ષેત્રના પડકારોનો પ્રથમ વખત સંકેત મળ્યો છે. બેકટેરીયલ ઈન્ફેકશન સામે મોરચો ખોલીને તેને કાબુમાં લેવા પડે તેમ છે.

અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જુદા-જુદા બેકટેરીયા અલગ-અલગ વયજૂથના લોકોને નિશાન બનાવે છે. એસ. ઔરસ નામક બેકટેરીયાથી 15 વર્ષથી વધુની આયુ ધરાવતા 9,40,000 લોકોના મોત થયા હતા જયારે તાઈફી બેકટેરીયા 5થી14 વર્ષના બાળકોને નિશાન બનાવે છે અને તેમાં 49000 બાળકોનો ભોગ લેવાયો છે. પાંચ વર્ષથી ઓછી વયના 2.25 બાળકોના ભોગ પાછળ એસ.ન્યુમેઈ નામક બેકટેરીયા જવાબદાર હોવાનુ માલુમ પડયુ હતું.