ગૌરીદળ ચેકડેમ વિવાદમાં નવો વળાંક
કામગીરી દરમિયાન દારૂના નશામાં હોબાળો કર્યાના આક્ષેપ સાથે વિડિયો પુરાવા હોવાનો દાવો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના ગૌરીદળ ગામ નજીક સુજલામ સુફલામ જળ અભિયાન-2026 અંતર્ગત ચાલી રહેલી કામગીરીને લઈને ઊભા થયેલા વિવાદમાં હવે નવા ખુલાસાઓ સામે આવ્યા છે. સિંચાઈ વિભાગ દ્વારા સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગૌરીદળ ચેકડેમ પાસે ચાલી રહેલી કામગીરી માટે ‘ઝેનિથ એડ્યુટેક ફાઉન્ડેશન-રાજકોટ’ને નિયમોનુસાર વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને સંસ્થા કરાર મુજબ જ કામગીરી કરી રહી છે.
વિભાગના સૂત્રો મુજબ, ગૌરીદળ નજીક નદી વિસ્તારમાં જળસંગ્રહ ક્ષમતા વધારવા અને ડીપનિંગની કામગીરી સરકાર માન્ય ‘સુજલામ સુફલામ યોજના’ હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સંસ્થાને કામ સોંપવામાં આવ્યું હતું. છતાં કેટલાક સ્થાનિક લોકો દ્વારા કામગીરી રોકવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ખાસ કરીને ગામ લોકોએ દારૂના નશામાં હોબાળો કર્યો હોવાનો ઝેનિથ એડ્યુટેક ફાઉન્ડેશન દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તેમજ આ અંગેના પુરાવા તરીકે વિડિયો હોવાનો દાવો કરાયો છે.
ઝેનિથ એડ્યુટેક ફાઉન્ડેશન સાથે જોડાયેલા સૂત્રોનો આક્ષેપ છે કે સરકાર માન્ય યોજના હેઠળ કામગીરી કરતી સંસ્થાને કેટલાક ગામલોકો દ્વારા ખોટી રીતે નિશાન બનાવવામાં આવી રહી છે. સંસ્થાના સમર્થકોનું કહેવું છે કે કામ અટકાવવા માટે વારંવાર સ્થળ પર જઈ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી પણ કરવામાં આવી હતી. સંબંધિત વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે કેટલાક લોકોએ દારૂના નશામાં આવી કામગીરી સ્થળે હોબાળો કર્યો હતો. આક્ષેપ મુજબ, દારૂ પીધેલી હાલતમાં કનડગત કરાઈ હોવાના વિડિયો પુરાવા પણ ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક ગ્રામજનોએ અગાઉ આક્ષેપ કર્યો હતો કે જ્યાંથી માટી ઉપાડવામાં આવી રહી છે તે વિસ્તાર નદીનો ભાગ નહીં પરંતુ રતનપર ગામનો સરકારી ખરાબો છે. આ ફરિયાદના આધારે ખાણ-ખનિજ વિભાગે સ્થળ પર કાર્યવાહી કરીને કેટલાક સાધનો અને વાહનો જપ્ત કર્યા હતા. હવે સિંચાઈ વિભાગના સ્પષ્ટીકરણ બાદ સમગ્ર મામલો વધુ ગરમાયો છે. એક તરફ વિભાગ કામગીરીને નિયમસર ગણાવી રહ્યું છે તો બીજી તરફ સ્થાનિકો દ્વારા પણ ગેરરીતિના આક્ષેપો યથાવત છે. આગામી દિવસોમાં ખાણ-ખનિજ વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા લેવાતા નિર્ણય પર સૌની નજર ટકેલી છે.



