‘11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’
યોગ એ આત્મકલ્યાણથી વિશ્ર્વ કલ્યાણ તરફ લઈ જવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.21
11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિરની પાસે આવેલા ચોપાટી મેદાન ખાતે ’વિશ્ર્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ખુશનૂમા વાતાવરણમાં પવિત્ર ધરા એવા સોમનાથ મંદિરના પ્રાંગણમાં અરબી સમુદ્રની લહેરો સાથે તાલ મિલાવતા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલની પ્રેરક ઉપસ્થિતિમાં ચોપાટી ખાતે યોગાભ્યાસનો કાર્યક્રમ યોજાયો હતો.
આ દિવસ ફક્ત એક તારીખ નથી, પરંતુ સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનું પ્રતીક છે
આપણે સૌ વિશ્ર્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ ફક્ત એક તારીખ નથી, પરંતુ સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનું પ્રતીક છે, જે આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનની વૈશ્ર્વિક સ્વીકૃતિ દર્શાવે છે. આમ કહી એમણે યોગના આ પાવન પથ પર આગળ વધવા બદલ સૌ નાગરિકોના પ્રયાસોને બિરદાવ્યાં હતાં. – હિમાંજય પાલીવાલ (ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન)
’એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ સાથે યોજાયેલા આ યોગ દિવસની ઉજવણી અવસરે કલેકટર એન.વી.ઉપાધ્યાયે યોગના મહત્વ વિશે જણાવ્યું હતું કે, તન સાથે મનની એકાગ્રતા વધારવા સાથે સર્વ સમાજ નિરામય બને તે માટે નિયમિત યોગાભ્યાસ કરવો જોઈએ. નિયમિત યોગાભ્યાસ દ્વારા આપણે તણાવ મુક્ત રહી શકીએ છીએ, રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ છીએ. યોગાભ્યાસ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
- Advertisement -
જિલ્લાકક્ષાની ઉજવણીની સમાંતર જ જિલ્લાની કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશન ખાતે પણ યોગના કાર્યક્રમો થકી ’વિશ્ર્વ યોગ દિવસ’ની ઉજવણી પ્રસંગે કરવામાં આવી હતી. જેમાં સમગ્ર જિલ્લામાંથી આશરે બે લાખ નાગરિકોએ યોગાભ્યાસ કર્યો હતો.