શારદીય નવરાત્રિ દર વર્ષે આસો મહિનામાં મનાવવામાં આવે છે. આ નવરાત્રિમાં માં દુર્ગાના 9 સ્વરૂપોની અલગ-અલગ દિવસે પૂજા કરવાનુ વિધાન છે. આવો જાણીએ તેનુ કારણ અને મહત્વ.

નવરાત્રિ મુખ્ય રીતે વર્ષમાં બે વખત મનાવવામાં આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. પંચાગ મુજબ શારદીય નવરાત્રિ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષના એકમથી શરૂ થાય છે અને દસમે માં દુર્ગાની મૂર્તિના વિસર્જનની સાથે સમાપ્ત થાય છે. આ વખતે શારદીય નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થઇને 5 ઓક્ટોબરે સમાપ્ત થશે.

હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં વર્ણિત કથાઓ મુજબ શક્તિની અધિષ્ઠાતા દેવી માં દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને આસુરી શક્તિઓનો વિનાશ કર્યો હતો અને સત્કર્મોના પ્રણેતાની રક્ષા કરી હતી. જે સમયે માં દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરીને નવ દિવસ સુધી યુદ્ધ કર્યુ અને દસમા દિવસે તેનો વધ કર્યો. તે સમય આસો મહિનાનો હતો. તેથી આસો મહિનાના આ નવ દિવસ શક્તિની આરાધના માટે સમર્પિત કરી દેવામાં આવ્યાં. પંચાગ મુજબ, આસો મહિનામાં શરદ ઋતુનો પ્રારંભ થાય છે, તેથી તેને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. શારદીય નવરાત્રિના 10મા દિવસને વિજય દશમીના રૂપમાં મનાવવામાં આવે છે.

નવરાત્રિ મનાવવા પાછળનો ઈતિહાસ

નવરાત્રિ મનાવવા પાછળ ઘણી કથાઓ પ્રચલિત છે. જેમાં એક કથા મુજબ, માતા ભગવતી દેવી દુર્ગાએ મહિષાસુર નામના દૈત્યની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યુ. ત્યારબાદ નવમીની રાત્રિએ તેનો વધ કર્યો. તે સમયથી દેવી માતાને મહિષાસુરમર્દિનીના નામથી ઓળખવામાં આવે છે ત્યારથી માં દુર્ગાની શક્તિને સમર્પિત નવરાત્રિનુ વ્રત કરતા તેમના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.