નવરાત્રિમાં લસણ-ડુંગળી ખાવાની મનાઈ શા માટે છે શું તમે એ જાણો છો? જો નહીં તો અમે તમને આજે તેના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ હોય છે. તેમાં પણ સૌથી વધારે મહત્વ શારદીય નવરાત્રીનું હોય છે. ભારતીય પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રી અશ્વિન મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને દશમી પર સમાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી આ મહિને એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 ઓકટોબર સુધી રહેશે. આ નવ દિવસો દરમિયાન મંદિરો, ઘરો અને ભવ્ય પંડાલોમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રિમાં લોકો મા દુર્ગાની પૂજા કરે છે અને ઉપવાસ કરશે. ઉપવાસ દરમિયાન દરેક લોકો સાત્વિક ખોરાક ખાઈ છે જેમાં અનાજ, ફળો અને શાકભાજી ખાઈ શકે છે જો કે જે લોકો વ્રત નથી રાખતા તેઓ લોકો પણ સાત્વિક ભોજન જ લે છે. નવરાત્રીના આ નવ દિવસ સુધી ભોજનમાં લસણ-ડુંગળીનું સેવન વર્જિત માનવામાં આવે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ પણ નવરાત્રિમાં લસણ-ડુંગળી ખાવાની મનાઈ શા માટે છે શું તમે એ જાણો છો? જો નહીં તો અમે તમને આજે તેના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

લસણ-ડુંગળીનું સેવન વર્જિત
આપણા હિંદુ ધર્મમાં ઘણી માન્યતાઓ છે અને દરેકનું પાલન કડકાઇથી નથી કરતાં પણ જ્યારે નવરાત્રિમાં ડુંગળી અને લસણ ખાવાની વાત આવે છે તો દરેક વ્યક્તિ આ નિયમનું ખૂબ જ સારી રીતે પાલન કરે છે. હિંદુ પુરાણો અનુસાર નવરાત્રીના નવ દિવસ પૂજા કે ઉપવાસ દરમિયાન ન તો લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ અને ન તો તેમાંથી બનાવેલ ભોજન પણ ન ખાવું જોઈએ.

ધાર્મિક માન્યતા
ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું એ સમયે તેમાં 9 રત્નો નીકળ્યા અને છેલ્લે અમૃત નીકળ્યું હતું. જણાવી દઈએ કે આ પછી ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓને અમૃત ચઢાવવાનું શરૂ કર્યું હતું અને એ પછી બે રાક્ષસો રાહુ-કેતુએ દેવોનું રૂપ ધારણ કરીને અમૃત પીધું હતું. આ થયા પછી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું અને તેના લોહીના થોડા ટીપા જમીન પર પડ્યા હતા અને તેમાંથી લસણ ડુંગળીની ઉત્પત્તિ થઈ હતી. એટલા માટે જ ડુંગળી અને લસણ તીખી ગંધ આપે છે. આ સાથે એવું પણ કહેવાય છે કે રાહુ-કેતુના શરીરમાં અમૃતના થોડા ટીપા પહોંચ્યા હતા અને એટલા માટે લસણ-ડુંગળીમાં રોગો સામે લડવાની ક્ષમતા હોય છે.

ડુંગળી અને લસણને તામસિક માનવામાં આવે
જો કે એવું કહેવાય છે કે ડુંગળી અને લસણના વધુ પડતા ઉપયોગથી વ્યક્તિનું મન ધર્મથી વિચલિત થઈ જાય છે અને અન્ય કામ કરવા લાગે છે. પુરાણોમાં ડુંગળી અને લસણને તામસિક ખોરાક માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે વ્યક્તિમાં તામસિક ગુણો વધવાથી અજ્ઞાનતા વધે છે. એટલા માટે જ હંમેશા સાત્વિક ભોજન ખાવાની સલાહ આપવામાં આવે છે જેથી મન ધર્મમાં લાગેલું રહે.