પ્રાકૃતિક કૃષિ એ લોકોના જીવન બચાવવાનું પૂણ્ય કર્મ: રાજ્યપાલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
- Advertisement -
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ અને રાજકોટ વિભાગના 10 જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિક એવા ગ્રામ સેવક, વિસ્તરણ અને બાગાયત અધિકારી સહિતના લોકોને પ્રાકૃતિક કૃષિને જન-જન સુધી લઈ જવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની તેને આગળ ધપાવવા માટે પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન અધિકારીઓને-કર્મચારીઓને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ લોકોના જીવન બચાવવા માટેનું પુણ્ય કર્મ છે. પ્રાકૃતિક કૃષિના માધ્યમથી જ જનઆરોગ્ય, પ્રકૃતિ અને પર્યાવરણને બચાવી શકીશું. રાજ્યપાલે વધુ જણાવ્યું કે, જંગલમાં હજારો વૃક્ષો હોય છે. તેમાં યુરિયા, ડીએપી, જંતુનાશક દવા ન નાખવા છતાં જંગલના કોઈપણ પાંદડામાં એક પણ પોષક તત્વોની કમી હોતી નથી. જે ફળદ્રુપતાનો નિયમ જંગલમાં કામ કરે, પ્રકૃતિનો જે નિયમ જંગલમાં કામ કરે છે તે જ નિયમ આપણા ખેતરમાં પણ કામ કરે એનું નામ પ્રાકૃતિક ખેતી. તેમણે પ્રાકૃતિક કૃષિને એક શ્રેષ્ઠ કાર્ય ગણાવતા કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી પ્રકૃતિની રક્ષા થાય છે, સાથે જ પાણી દૂષિત થતું અટકે છે અને લોકોના જીવન બચે છે. આમ, ઈશ્વરની વ્યવસ્થામાં સહયોગ આપવો એ જ પરમાત્માની પ્રાર્થના છે. વધુ ઉમેર્યું કે, રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે નુકસાનકારક છે. આજે બાળકોને હાર્ટ અટેક આવવા ઉપરાંત ડાયાબિટીસ, કેન્સર જેવા ગંભીર રોગોનું મુખ્ય કારણ ઝેરયુક્ત આહાર છે. ત્યારે આ બિમારીઓથી બચવાનું એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે.