સાઈડ બંધ હોવા છતાં નીકળેલા લુખ્ખાને રોકતા રોફ જમાવ્યો : ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા પોલીસે કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં જાણે પોલીસ જ અસલામત હોય તેમ લોધાવાડ ચોકમાં બંધ સાઈડ હોવા છતાં નીકળેલા શખ્સને અટકાવતા હું સદર બજારનો ડોન છું, બધી પોલીસ મારા હાથમાં છે, મારી ગાડી રોકાય જ કેમ કહી ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપતા એ ડીવીઝન પોલીસે પોલીસમેનની ફરિયાદ પરથી ગુનો નોંધી લુખ્ખાની ધરપકડ કરી હતી.
રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાટરમાં રહેતા અને પાંચ મહિનાથી ટ્રાફિક શાખામાં નોકરી કરતા ઋતુરાજસિહ ખુમાનસિહ રાણા ઉ.25 નામના કોન્સ્ટેબલે એ ડીવીઝન પોલીસમાં સાદર બજારના હરિહર ચોકમાં રહેતા સમીર કાસમભાઈ બલોચ ઉ.32 સામે ફરજમાં રૂકાવટ, ધમકી સહિતની કલમો હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સાંજે હું લોધાવાડ ચોકમાં ફરજ પર હતો ત્યારે સાઈડ બંધ હોવા છતાં એક્સેસ લઈને એક શખ્સ નીકળતા તેને ઉભો રાખી સાઈડ બંધ છે છતાં કેમ નીકળો છો તેમ કહેતા તેણે ઉશ્કેરાઈને હું સદર બજારનો ડોન છું. મારૂ નામ સમીર બલોચ છે, બધી પોલીસ મારા હાથમાં છે, તું હજી મને ઓળખતો નથી, તારાથી મારી ગાડી રોકાય જ કેમ, કહી જોઈ લેવાની ધમકી આપી હતી આ પછી પોતાનું વાહન અન્ય વાહનો સાથે ભટકાડી હંકારતો હોવાથી તેને ઉભો રાખતા ગાળો ભાંડવા લાગ્યો હતો તેને શાંતિ રાખવાનું કહેતા મારી સાથે ઝપાઝપી કરી હું તને મારી નાખીશ તેવી ધમકી આપી થાય તે કરી લેજે તેમ કહેતા કંટ્રોલમાં ફોન કરતા એ ડીવીઝન પોલીસ મથકની પીસીઆર આવી ગઈ હતી અને સમીરને પકડી પોલીસ સ્ટેશને લઇ જવાયો હતો
- Advertisement -
પોલીસમેનની ફરિયાદ પરથી પીઆઈ બારોટ સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.