જાહેરમાં પ્રસુતિ કરાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો લૂલો બચાવ
સતત અહેવાલો પ્રસિદ્ધ થવાં છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને જવાબદારીમાંથી છટવા માટે એક-બીજા ઉપર ખો નાખી દેવાય છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની વર્ષો જૂની પદ્મકુંવરબા હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્રભરની પ્રસુતાઓ પ્રસુતિ કરાવવા આવે છે, પરંતુ આ જ હોસ્પિટલમાંથી અનેક ખામીઓ સામે આવી છે. પ્રાથમિક સુવિધાઓથી માંડીને સારવાર સુધીનો પર્દાફાશ અનેક વખત ‘ખાસ-ખબરે’ કર્યો છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. ગઈકાલનો જ બનાવ કે જ્યાં એક મહિલાને હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જ પ્રસુતિ કરાવવાનો વારો હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે આવ્યો હતો. પરંતુ આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે.
પદ્મકુંવરબા હોસ્પિટલના ગ્રાઉન્ડમાં એક મહિલાને બાંકડા પર પ્રસુતિ કરાવી હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો ત્યારે આ વિડીયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે તેનો પતિ કહી રહ્યો છે કે અમે છેલ્લી ઘણી કલાકોથી બહાર બેઠા છીએ પરંતુ બેડના અભાવે મહિલાને દાખલ કરવામાં ન આવી અને અંતે મહિલાને દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જાહેરમાં જ પ્રસુતિ કરાવી હતી તો આ અંગેની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને જાણ થતાં ખુદ ઋષિકેશ પટેલે હોસ્પિટલનો લૂલો બચાવ કર્યો હતો તેવો પણ વિડીયો સામે આવ્યો હતો. જેમાં તેઓ કહી રહ્યા છે કે પ્રસુતાને તાત્કાલિક દુ:ખાવો ઉપડ્યો જેના કારણે તે પ્રસુતા હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગ સુધી પહોંચે તેવી પરિસ્થિતિમાં ન હતી જેના કારણે બહાર ડિલેવરી કરાવવી પડી. જો કે આમાં સત્ય શું છે તે તો આ વાયરલ વિડીયોમાં જાણી શકાય છે. તો હવે આરોગ્ય મંત્રી આ અંગે શું પગલાં લેશે તે તો હવે જોવું રહ્યું.