કોઠારિયા રોડ પર આવેલા શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયાનો બનાવ
કાનો ભરવાડ તેના ત્રણ સાગરીતોને લઈ આવ્યો અને તારા પિતા ક્યાં છે તેની પાસેથી પૈસા લેવાના છે કહી ધોકા વડે બેફામ માર મારી ધમકી આપી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વ્યાજખોરો જાણે લૂંટારુ બન્યા હોય તેમ અવારનવાર ફરિયાદ ઉઠી રહી છે. પોલીસનો જાણે ડર જ ન હોય તેમ આ શખ્સો મન ફાવે તેમ વ્યાજ વસુલી લેણદારોની હાલત ખરાબ કરી નાંખે છે. ત્યારે કોઠારીયા રોડ પર શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી ચાની હોટેલના ધંધાર્થી પોતાની હોટેલ પર હતો ત્યારે વ્યાજખોર તેના સાગરીતોને લઈ આવી પઠાણી ઉઘરાણી કરી ધોકા વડે મારમાર્યો હતો.ઘવાયેલા યુવકને હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.તેમજ પોલીસે નિવેદન નોંધવા તજવીજ આદરી છે. બનાવની વિગતો મુજબ શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી ચાની હોટેલના ધંધાર્થી રાજ રામજીભાઈ ખૂટ નામનો 22 વર્ષીય પટેલ યુવક ગઈકાલે પોતાની ચાની હોટેલ પર હતો
ત્યારે ત્યાં કાનો ભરવાડ તેના ત્રણ સાગરીતોને લઈ આવ્યો હતો અને તારા પિતા ક્યાં છે તેની પાસેથી પૈસા લેવાના છે કહી ધોકા વડે બેફામ મારમારી ધમકી આપી હતી. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજે જણાવ્યું હતું કે,પિતાએ ધંધા માટે કાના પાસેથી 4 લાખ લીધા હતા તે પૈસાના 5.50 લાખ ચૂકવી દીધા છતાં પણ કાનો પૈસાની ઉઘરાણી કરે છે.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.આ અંગે હાલ પોલીસે કાર્યવાહી કરી છે.