– ભવ્ય રાવલ
આજથી બસો વર્ષ અગાઉ જ્યારે ગુજરાતી પત્રકારત્વની શરૂઆત થઈ હતી ત્યારે ગુજરાતી સમાજ અને ગુજરાતી સમાજની સ્ત્રીઓની સ્થિતિથી સૌ પરિચિત છે, આમ છતાં એ સમયે પણ સમાજમાં સ્ત્રીઓએ હિંમતભેર કલમ ઉઠાવી પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપી હતી. રસોડું સાચવતા-સાચવતા પણ રિપોટિંગ અને રાઈટીંગ કરી બતાવ્યું હતું. સમાજના કુરિવાજોથી લઈ કૌભાંડો ઉજાગર કરવામાં મહિલા પત્રકારોએ ક્યારેય પાછીપાની કરી નથી. આજના સમયમાં પણ ગુજરાતી મીડિયામાં ઘણી મહિલા પત્રકારો પરિવારની તમામ જવાબદારીઓ અદા કરવાની સાથોસાથ પત્રકારત્વના ક્ષેત્રમાં અગ્રેસર છે. પત્રકારત્વનો પથ પથરાળ છે, અહીં કાચાપોચાનું કામ નથી તેથી જોઈ શકાય કે, પત્રકારત્વના ક્ષેત્રમાં આવી પોતાની વિશિષ્ટ ઓળખ ઉભી કરનારી મહત્તમ નારી પત્રકારોમાં નીડરતા અને સાહસિકતાના ગુણો છે. જાંબાઝ ગુજરાતી ફિમેલ જર્નાલિસ્ટ બધાથી અલગ તરી આવે તેવી પ્રતિભાવાન છે.
ગુજરાતી પત્રકારત્વનો બસો વર્ષનો ઈતિહાસ કલમની દેવીઓ સમી મહિલા પત્રકારોના કૌશલ્યથી ઝળહળી રહ્યો છે. મહિલા પત્રકારોની આવડત ગુજરાતી અખબારો, પત્રો, સામયિકોના પાનાં પર અંકિત થયેલી છે. ગુજરાતી મીડિયાની ચૂનંદા મહિલા પત્રકારો વિશે ભાગ – 1માં માહિતી મેળવ્યા બાદ ભાગ-2માં ગુજરાતી પત્રકારત્વની બે સદીમાં ઉત્તમ કાર્ય કરનારી વધુ કેટલીક પસંદીતા મહિલા પત્રકારોની વાત કરીએ.. એ સ્ત્રીઓ જેણે ગુજરાતી ભાષા સાહિત્ય સાથોસાથ આપણા પત્રકારત્વજગતને પણ દિપાવ્યું.
- Advertisement -
લેખન ક્ષેત્રે નામના કરેલી મહત્તમ મહિલાઓ શરૂઆતમાં પત્રકાર હતી અથવા છે.
જાણીતા મહિલા પત્રકાર – લેખિકા ગીતાબેન માણેકે અભિયાન સામયિક સાથે જોડાઈને પત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરેલી હતી. તેમણે મુંબઈની સંદેશ આવૃત્તિમાં અને અંગ્રેજી ડેઈલીમાં કામ કર્યું હતું, સમકાલીન અને સંદેશમાં ફ્રિલાન્સ વર્ક પણ કરેલું હતું. ગુજરાતી પાક્ષિક ફેમિનામાં રિપોર્ટર, સહતંત્રી, પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકેની જવાબદારી સંભાળવા ઉપરાંત સંદેશની સ્ત્રી, યુવદર્શન, ચિત્રલેખા તેમજ ગુજરાત સમાચારની મુંબઈ આવૃત્તિ અને મુંબઈ સમાચાર નેટવર્કની મુંબઈ ઓફીસ, એશિયા ન્યૂઝ ઈન્ટરનેશનલ વગેરેમાં કામગીરી કરી હતી. 1997માં ગીતાબેન માણેકે શરૂઆત નામથી દૈનિક પણ શરૂ કરેલું હતું. ગીતાબેન માણેક જેવા જ અન્ય એક પ્રખ્યાત મહિલા પત્રકાર બેલાબેન ઠાકર છે. જેમણે પત્રકારત્વની પાપાપગલી ગુજરાત સમાચારના શ્રી સાપ્તાહિકથી કરી હતી. આગળ જતા તેમણે ધ ટાઈમ્સ ઓફ ઈંડિયાના ગુજરાતી દૈનિકના વિવિધ વિભાગોની જવાબદારી સંભાળી હતી. ગુજરાત સમાચારમાં પરિચય નામથી તેમની કોલમ આવતી હતી. તેઓ દિવ્યભાસ્કર સાથે પણ જોડાયેલા હતા.
મહિલા પત્રકાર પારુલબેન ટીના દોશીએ જન્મભૂમિ દૈનિક મુંબઈથી પત્રકારત્વની શરૂઆત કરેલી. ચિત્રલેખા સાપ્તાહિક અને ઈન્ડિયન એક્સ્પ્રેસ જૂથના દૈનિક સમકાલીન મુંબઈમાં લખ્યા બાદ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, ફૂલછાબ, ગુજરાત ટુડે, પડકાર, હમલોગ વગેરે દૈનિકોમાં શ્રેણીબદ્ધ કટારલેખન કર્યું હતું. તેમણે લંડનથી પ્રકાશિત ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોના અમદાવાદ ખાતેના ઈન્ચાર્જ અને એડીટોરીયલ કો-ઓર્ડીનેટર તરીકેની જવાબદારી પણ નિભાવી હતી. શ્રેષ્ઠ લેખન અને પત્રકારત્વ માટે તેમને ઘણા સન્માનીય પુરષ્કાર એનાયત થયા છે. અન્ય એક મહિલા પત્રકાર મીરાબેન જોશીએ ફિલ્મજગતના જાણીતા સામયિક ફિલ્મફેરના ડેપ્યુટી એડિટર તરીકે વર્ષો સુધી કાર્ય કર્યું હતું. નાગપુર ટાઈમ્સમાં પણ તેમણે કાર્ય કરેલું હતું. ટાઈમ્સ ઓફ ઈંડિયામાં જોડાયા બાદ ફિલ્મફેર સામયિકમાં જોડાયા હતા.
- Advertisement -
મહિલા પત્રકારો : પારિવારિક જવાબદારીઓ અદા કરવાની સાથોસાથ પત્રકારત્વ ક્ષેત્રમાં અગ્રેસર
બીજા કેટલાંક મહિલા પત્રકારોની વાત કરીએ તો સરોજબેન પાઠક ગુજરાતમિત્ર દૈનિકમાં કટારલેખિકા હતા. વાર્તાકાર, નિબંધકાર, નવલકલાકાર તરીકે તેમના વિવિધ પુસ્તકો પ્રકાશિત થયા હતા. રંભાબેન ગાંધી 1970થી 77 સુધી જૈન સમાજ પત્રિકાના મંત્રી હતા. નાટ્યકાર, ગીતકાર, નિબંધકાર, વાર્તાકાર, હાસ્યલેખિકા અને આકાશવાણી મુંબઈ સાથે સક્રિય હતા. 1980માં રણજિતરામ સુવર્ણચંદ્ર વિજેતા ધીરુબેન પટેલ નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, જન્મભૂમિ પ્રકાશિત સુધા સાપ્તાહિકના તંત્રી હતા. પુષ્પાબેન મહેતા સમાજકલ્યાણ બોર્ડના માસિક સમાજના સ્થાપક તંત્રી હતા તેમજ તેમણે ભારતી સાહિત્ય સંઘની બહેનો માટેના માસિક ભગિનીનું તંત્રીપદ થોડા સમય માટે સંભાળ્યું હતું. તેઓ વિકાસગૃહ અને જ્યોતિસંઘના સ્થાપક, સંવર્ધક હતા. પ્રેમીલાબેન મહેતા ગુણસુંદરીના મંત્રી હતા. દીપલબેન ત્રિવેદીએ ઈન્ડિયન એક્સ્પ્રેસ ગ્રુપના રિપોર્ટર તરીકે કામ કર્યું અને સમભાવ ગ્રુપના તંત્રી પણ બનેલા હતા.
નઝમાબેન યુસુફ ગોલીબાર ચંદન સાપ્તાહિકના સહાયક તંત્રી હતા, તેમજ તેઓ ફટાકડી ગોલીબારના તખલ્લુસથી સવાલ-જવાબની કોલમ લખતા હતા. કુસુમબેન શાહે 1970ના દાયકામાં લંડનમાંથી ગુજરાત સમાચારની લંડન આવૃત્તિ શરૂ કરેલી હતી. કોકિલાબેન પટેલે તેમાં તંત્રી તરીકેની ફરજ બજાવી હતી. ડો. આરતીબેન પંડ્યાએ સમાંતર સાપ્તાહિકનું તંત્રીપદ અને સંપાદકીય કાર્ય બે દસક સુધી સંભાળ્યું હતું. બાળદુનિયા પાક્ષિકનું સંચાલન પણ સુંદર રીતે કર્યું હતું. સૌદામિનીબેન વ્યાસ અંગના નામના વાર્ષિકના વર્ષો સુધી સંપાદક હતા. લક્ષ્મીબેન ગૌ. ડોસાણી સમાજજીવન માસિકના સંપાદક હતા. રમાબેન મ. દેસાઈ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રોઢશિક્ષણ, તાલીમ અને સંશોધન કેન્દ્રના નિયામક હતા અને લોકજીવન માસિકના સંપાદક હતા. જયાબેન મહેતા સુધા અને વિવેચન સામયિકોના સહતંત્રી તેમજ કેટલાંક કાવ્યસંગ્રહ અને વિવેચનગ્રંથોના કર્તા છે. તારાબેન મોડક બાળવાર્તાઓના લેખિકા અને દક્ષિણામૂર્તિ ભાવનગરના શિક્ષણપત્રિકાના તંત્રી હતા.
ભારતીબેન વૈદ્ય હિન્દુસ્તાન દૈનિકના તંત્રી વિભાગમાં અને આકાશવાણી મુંબઈના સમાચાર વિભાગમાં કાર્યરત હતાં. સુહાસબેન ઓઝા જન્મભૂમિના સુધા સામયિક સાથે જોડાયેલાં હતા. નીરાબેન દેસાઈ પડકાર સામયિકના સંપાદક, લેખિકા અને જાણીતાં સમાજશાસ્ત્રી છે. મીરાબેન ભટ્ટ ભૂમિપુત્રના સંપાદક હતા, તેમના ચરિત્રાત્મક તેમજ પરિચયાત્મક પુસ્તકો પ્રગટ થયેલા છે. તરુબેન કજારિયા જન્મભૂમિ જૂથના અખબારોના સામયિક વિભાગના તંત્રી હતા. વીણાબેન કાંતિલાલ શાહ ભગિની સમાજ પત્રિકાના તંત્રી હતા. સુસ્મિતા મ્હેડ અખિલ હિંદ મહિલા પરિષદ, અમદાવાદ શાખાના ત્રિમાસિક મુખ્યપત્ર નવનિર્માણના 1960ના એક વર્ષ માટે સહિયારા તંત્રી હતા તથા જ્યોતિસંઘ પત્રિકાનું તંત્રીપદ તેમણે સંભાળેલું હતું. ગુજરાતમાં ધ ટાઈમ્સ ઓફ ઈંડિયા જૂથનું ગુજરાતી અખબાર શરૂ કરાયું ત્યારે તેની શનિવારની પૂર્તિ મહિલા ટાઈમ્સ તરીકે આવતી, તેના સંપાદક તરીકે અને ટાઈમ્સ બંધ થતા જયહિદના સખી સામયિકના સંપાદક તરીકે પુનિતા હર્શે (ત્રિવેદી)એ કામગીરી કરી હતી.
સત્યવતીબેન શાહના ગુજરાત સમાચારમાં 1950થી 1967 સુધી સત્યઘટના આધારિત પ્રસંગો, રેખાચિત્રો પ્રગટ થયા હતા. સામાજિક સ્વાસ્થ્ય સામયિકના તંત્રી પણ હતા. હર્ષિદાબેન પંડિત ગુજરાત સમાચારની મુંબઈ પૂર્તિમાં અને શ્રી સાપ્તાહિકમાં માનસી નામની કટાર લખતા હતા. ત્યારબાદ સ્ત્રી, મુંબઈ સમાચાર, સંદેશ, સમકાલીન અને જન્મભૂમિમાં માનસશાસ્ત્ર અંગેના લખાણો લખતા હતા. અરુણાબેન દેસાઈ વઢવાણ સ્થિત વિકાસ વિદ્યાલયના સ્થાપક અને વિદ્યાલય સામયિકના તંત્રી હતા. શ્રીના સ્મૃતિબેન શાહ, સ્ત્રીના લીલાબેન પટેલ, સખીના નીતાબેન શાહ તથા જનસત્તાના મહિલા વિભાગના સંપાદક તરીકે પદ્માબેને કામ સંભાળ્યું હતું. પદ્માબેન વિકાસગૃહની પત્રિકા વિકાસગૃહના તંત્રી હતા, ઉપરાંત અનેક સામયિકોમાં અને દૈનિકોમાં તેમની કોલમ આવતી હતી. કાજલ ઓઝા વૈદ્યના લેખન કારકિર્દીની શરૂઆત પણ પત્રકારત્વથી થઈ હતી. ગુજરાતી પત્રકારત્વમાં લોકલથી ગ્લોબલ સ્તર સુધી લેખન ક્ષેત્રે નામના કરેલી મહત્તમ મહિલાઓ શરૂઆતમાં પત્રકાર હતી અથવા છે. પત્રકારત્વના ક્ષેત્રમાં ઘણીખરી મહિલાઓ સાહિત્યિક પત્રકાર છે, પત્રકાર સાથે લેખિકા પણ છે. એક લેખક સૌ પ્રથમ એક પત્રકાર હોય છે.
વધારો : પેંગ્વિન બૂક્સ પ્રકાશિત અને અમ્મુ જોસેફ લિખિત ‘મેકિંગ ન્યૂઝ: વિમેન ઈન જર્નાલિઝમ’ પુસ્તક વાચવા જેવું છે. તેમાં વિવિધ દેશોમાં સમાચારના ક્ષેત્રે સ્ત્રીઓની ટકાવારી કેટલી છે તે લખ્યું છે. પત્રકારત્વમાં સૌથી વધુ સ્ત્રી પત્રકારોનું પ્રમાણ અમેરિકામાં છે અને ત્યારબાદ તેમાં એશિયન દેશો આવે છે. આ પુસ્તકમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે, ભવિષ્યમાં માત્ર સ્ત્રીઓ જ પત્રકાર હશે!