આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 1000 નવી મેડીકલ બેઠક ઉમેરાઇ જશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં તબીબી શિક્ષણમાં રાજ્ય સરકાર દ્વારા સતત થઇ રહેલા વધારામાં હવે આગામી શૈક્ષણિક વર્ષથી લાભપ્રદ બને તે રીતે પાંચ નવી મેડીકલ કોલેજ સ્થાપવા માટે રુા. 2500 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે જેમાં મોરબી, પોરબંદર, ગોધરા, નવસારી અને રાજપીપળામાં નવી મેડીકલ કોલેજ ખોલવામાં આવશે અને તેના કારણે રાજ્યમાં મેડીકલ શિક્ષણની 500 બેઠકો વધી જશે. આ ઉપરાંત અગાઉના નિર્ણય મુજબ બોટાદ, ખંભાળીયા, વેરાવળ, તાપી અને વ્યારામાં પણ મેડીકલ કોલેજ ખોલવાની કામગીરી ગતિમાં છે અને તેની સાથે જ ગુજરાતમાં એક જિલ્લામાં એક મેડીકલ કોલેજનો લક્ષ્યાંક પૂર્ણ થશે તેવા સંકેત છે. ગુજરાતમાં હાલ 5700 મેડીકલ સીટ છે અને તેમાં 1 વર્ષમાં વધુ 1000 બેઠકો ઉમેરાઇ તેવા સંકેત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેઓએ રાજ્યમાં મેડીકલ શિક્ષણને વેગ આપવા માટે જે રીતે આયોજન કર્યું હતું તે હવે લગભગ પૂર્ણતાના આરે છે અને દેશમાં સૌથી વધુ મેડીકલ કોલેજ ધરાવનાર રાજ્યમાં ગુજરાત સામેલ થઇ જશે. ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા આઠ મેડીકલ કોલેજનું સંચાલન થઇ રહ્યું છે જ્યારે નવી મેડીકલ કોલેજમાં મોરબી માટે રુા. 627 કરોડ, પોરબંદર માટે રુા. 390 કરોડ, ગોધરા માટે રુા. 512 કરોડ, નવસારી માટે રુા. 542 કરોડ અને રાજપીપળા માટે રુા. 529 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક મેડીકલ કોલેજમાં 100 બેઠકો હશે. આમ કુલ 500 નવી બેઠકોનું સર્જન થશે. આ ઉપરાંત અમદાવાદમાં જે અસારવા સિવિલ હોસ્પીટલ, ગાંધીનગર સિવીલ હોસ્પીટલ અને સોલા સિવિલ હોસ્પિટલને સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલમાં ફેરવવામાં આવશે. રાજ્યના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે બોટાદ, ખંભાળીયા,વેરાવળ, તાપી અને વ્યારાની મેડીકલ કોલેજ માટેની બ્લુપ્રિન્ટ બની ગઇ છે અને ટૂંક સમયમાં તેના માટે બજેટ વગેરેની ફાળવણી થશે. સુત્રોના જણાવ્યા મુજબ આ મેડીકલ કોલેજને જે તે શહેરની સરકારી હોસ્પિટલ સાથે જોડી દેવાશે અને તેના કારણે સરકારી હોસ્પીટલમાં આવતા દર્દીઓને પણ સારવારમાં તબીબી સુવિધામાં વધારો થશે. ઉપરાંત મેડીકલ કોલેજનાં વિદ્યાર્થીઓને પણ સરકારી હોસ્પીટલમાં ઇન્ટર્નશીપના કારણે જે વ્યાપક લાભ થાય છે તે પણ વધશે.