બહેન-દીકરીઓના અંગ પ્રદર્શન અને મર્યાદા-ભંગ કરતા અલ્ટ્રા-મોર્ડન આયોજનો પર પ્રથમવાર એવી પાબંધી લાગી કે ઇતિહાસ પલટાઇ જાય
શાસ્ત્ર-પૂરાણ પ્રમાણે નવખંડ ધરાને શક્તિમાન કરતી નવધા ભક્તિના નવ દિવસીય અનુષ્ઠાનનો આ વર્ષે અભૂતપૂર્વ અવસર સાંપડ્યો છે

અનિરુદ્ધ નકુમ
જો તમો ધાર્મિક, સાલસ અને સંસ્કાર માનસ ધરાવતા હો તો આ લેખ પૂરો વાંચ્યા પછી શાયદ ‘કોરોના’નો આભાર માની શકો ! માન્યામાં ન આવે તેવી પરિસ્થિતિ ઉભી કરવામાં જેનો સિંહ ફાળો હોય તેનો આભાર ન માનીએ તો નગુણા ન કહેવાય ? નવરાત્રિમાં આ વખતે એવી સ્થિતિ નિર્માણ થઇ છે. ઇતિહાસમાં પ્રથમવાર નવરાત્રિ તેના અસલી (શાસ્ત્રોકત) ફોર્મમાં ઉજવાશે. રાજ્ય સરકારને જશ આપવો કે અપજશ એ સૌની પોત-પોતિકી માન્યતા પર નિર્ભર છે પણ ધર્માનૂરાગી અને શાંતિપ્રિય ભાવિકો માટે આ વર્ષે ખરેખર અનુપમ નોરતાં આવ્યા છે. નહીં ઓર્કસ્ટ્રા, નહીં સાઉડ સિસ્ટમ, નહીં પાર્ટી પ્લોટના આયોજન, નહીં બહેન-દીકરીઓના ઉજાગરા ! માર્કડ પૂરાણમાં વર્ણવી એ પ્રકારના નવ દિવસીય અનુષ્ઠાની-નવરાત્રિ શાયદ પહેલીવાર આ વર્ષે ઉજવવા મળશે. હાલમાં કોરોના વાઇરસ પૂરાણોના મહિષાસૂરની જેમ ત્રાહીમામ પોકરાવી રહ્યો છે ત્યારે ‘ખાસ ખબર’ના વાચકો માટે અમો ગરબાનો આયુર્વેદિક અને ઔષધિય એક્સ-રે રજૂ કરી સર્વેના કલ્યાણની કામના કરીએ છીએ.
આ વર્ષની નવરાત્રિએ માં જગદંબાના પૂરાણ-પ્રસિધ્ધ સ્વરૂપો, ચંડા, ચંડવતી, ચંડરૂપા, ચંડ નાયિકા, રૂદ્ર ચંડા, ચંડોગ્રા, પ્રચંડા, અતિ ચંડા કે ઉગ્ર ચંડા અથવા દુર્ગા, નીલ દુર્ગા, રૂદ્ર દુર્ગા, વન દુર્ગા, અગ્નિ દુર્ગા, રિપુરી દુર્ગા, જય દુર્ગા, જલ દુર્ગા કે વિંદયવાસી દુર્ગા ઉપરાંતનાં સ્વરૂપોનું આપને દર્શન કરાવીશું: કોરોનાસૂર મર્દિની જગદંબાના આ સ્વરૂપો ટોટલી ઔષધિય છે ! ગરબો તેનું પ્રતિક ગણો તો દિવડો હાલના કોરોનાસૂરથી વ્યાપ્ત ધોર અંધારાને દૂર કરવાનો સાક્ષી બનશે. ભગવતી દુર્ગા પુરાણમાં નવદુર્ગાના નવ (9) ઔષધિ સ્વરૂપોનું વર્ણન છે. બ્રહ્માજી દ્વારા ઉપદેશમાં તેને ‘દુર્ગા-કવચ’ કહેવામાં આવ્યું છે અને પૂરાણોમાં તેને માર્કહડેય ચિકિત્સા પધ્ધતિના રૂપમાં વર્ણાવાયુ છે. કોરોનાકાળમાં આપણે નવદુર્ગાના આ નવે-નવ અને નવા ઔષધિય સ્વરૂપોને જાણવા-પુજવા વધુ પ્રાસંગિક રહેશે.
હાલની ભાગતી-દોડતી અને ભીડભાડ વાળી લાઇફ સ્ટાઇલમાં કયારેય ઘરે રહીને નવરાત્રિમાં માતાજીની આરાધના-અનૂષ્ઠાનની કલ્પના પણ સંભવ હતી ? કોરોનાના સંક્રમણના કારણે રાજ્ય સરકારે નવરાત્રિ સહિતના પર્વોની જાહેર અને મોટાપાયે ઉજવણી પર પાબંધી ફરમાવી ત્યારે ઉલ્ટાની ટીકા થઇ. લોકો કહે, ચૂંટણી રેલી-સભાની છૂટ તો નવરાત્રિના રાસ-ગરબાની કેમ નહીં ?લોકો ‘આઇઘર’ વિચારવા શાયદ તૈયાર જ નથી. એવુંય બને કે કુદરત ‘નવધાભક્તિ’ કરનારાને બચાવી લેવા માગતી હોય અને ‘અપલખણાં’નો મોટો ઘાણવો કાઢતા માગતી હોય ! અન્યથા આવા બેવડા ધોરણ સૂઝે શાના ? આ સંજોગોમાં નવરાત્રિની જાહેર ઉજવણી પરની પાબંધી અભિષાપ નહીં બલ્કે વરદાન સમાન ગણાય. થેન્કસ ટૂ કોરના ! જે લોકો એમ કહે કે આ વર્ષે કોરોના નવરાત્રિને ભરખી ગયો એ લોકો ભ્રમિત થયેલા છે. ખરી વાત કે સંકેતથી વાકેફ નથી.
વાસ્તવમાં ખરી નવરાત્રિ આ વખતે જ થશે. ઘરે-ઘરે ઘટસ્થાપન થશે, અનૂષ્ઠાન થશે. ઘરમાં પૂજા કરશે આરતી, ધૂન-ગીત, ગરબા ગાશે. ઘરનું પુણ્ય ઘરમાં રહેશે. ઉલ્ટાનો બીજો એક ગજબનો ચમત્કાર થશે. બહેન-દીકરીઓના અંગ પ્રદર્શન કરતી અને મા-બાપને છેતરવાવાળી નવરાત્રિ નહીં થાય. અનેક પ્રકારના દુષણોની જન્મદાત્રી કહેવાતી-નવરાત્રિ રદ્દ થાય તેવું કોટી-કોટી માવતરો દાયકાઓથી ઇચ્છતા હતા. દેખાદેખી સહિતની અનેક લાચારીથી મજબૂર સભ્ય-સમાજ પાસે તેનો કોઇ તોડ નહોતો. એવામાં આ વર્ષે કોરોના ત્રાટક્યો અને તાજેતરના ઇતિહાસમાં કદાપિ સંભવ ન્હોતું જણાતું તેવું વાતાવરણ સર્જતો ગયો. ‘નવરાત્રિ’ની ઘરમાં રહીને જ આરાધના કરવાની તક તેમાંની સૌથી મોટી ઉપલબ્ધી છે. બહેન-દીકરીઓની મર્યાદાની ‘છેડતી’ થતી અટકાવવા જાણે ‘કોરોના-ક્ફર્યુ’ લાગી ગયો. આ સ્થિતિ બદલ ‘કોરોના’નો આભાર ન માનીએ એવા ન-ગૂણા આપણે બની શકીશું ખરા?