વડાપ્રધાન મોદીએ શિક્ષણ પ્રવેશને ઉત્સવ બનાવવાની કરેલ શરૂઆતને 22 વર્ષ પૂર્ણ, શિક્ષણ ક્ષેત્રે આમુલ સુધારા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
રાજયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ આગામી તા.26થી 28 દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવનાર છે. આ ત્રિદિવસીય રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ મંત્રીઓ, પદાધિકારીઓ, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ સહિત વર્ગ-1ના 400 જેટલા ઉચ્ચાધિકારીઓ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન 2002-03માં આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. જેને હવે 22 વર્ષ પૂર્ણ થયા છે. આ વર્ષે 23મો શાળા પ્રવેશોત્સવ- ક્ધયા કેળવણી મહોત્સવ યોજાશે. આ વખતે રાજયભરની 1529 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 5134 ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને 31,824 સરકારી પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ યોજાશે. આ શાળા પ્રવેશોત્સવ હેઠળ બાલ વાટીકામાં પ્રવેશપાત્રતા ધરાવતા 8.75 લાખ, 8માં ધોરણમાંથી 9માં ધોરણમાં પ્રવેશની પાત્રતા વાળા 10.50 લાખ અને ધોરણ 10તી 11માં પ્રવેશ માટે પાત્રતા યોગ્ય 6.50 લાખ મળીને કુલ 25-75 લાખ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નવા ઈનીસ્યેટીવ્ઝ સાથે નાનામાં નાની બાબતોને પણ મહત્તા આપવાની કાર્યક્ષમતા સાથેનું નેતૃત્વ વડાપ્રધાન મોદીએ દેશને પુરૂ પાડયું છે. પ્રવેશોત્સવના 22 વર્ષમાં રાજયમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ સુધારા સહિત ઘણું જ સારૂ કામ થયું છે. તેને વધુ વેગવાન બનાવીને ટીમવર્કથી કાર્યરત રહીએ અને અગાઉના પ્રવેશોત્સવના અનુભવો-ફીડબેકના આધારે સૌ સાથે મળીને વધુ પરિણામકાયી કાર્ય કરવા તેઓએ જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં 18 હજારથી વધુ બાળકો શાળા પ્રવેશ કરશે
શૈક્ષણિક સંસ્થાઓ ભુલકાઓના કિલ્લોલથી ગુંજી ઉઠશે
રાજ્ય સરકાર દ્વારા ક્ધયા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવા માટે આગામી તા.26 થી 28 જૂન દરમિયાન રાજકોટ જિલ્લામાં ઉજવારા શાળા પ્રવેશોત્સવમાં કુલ 18,517 ભૂલકાંઓનો શાળા પ્રવેશ કરાવવામાં આવશે. રાજકોટ જિલ્લામાં જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત 846 અને જેતપુર તથા ઉપલેટામાં નગર શિક્ષણ સમિતિ સંચાલિત 21 પ્રાથમિક શાળા કાર્યરત છે. જેમાં હાલમાં 54,331 કુમાર તથા 52,337 ક્ધયા મળી કુલ 1 લાખ 6 હજાર 668 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે શાળાઓમાં ધો.1માં 4,976 વિદ્યાર્થીઓ તેમજ બાલવાટિકામાં 13,541 વિદ્યાર્થીઓ મળી કુલ 18,517 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ થશે.
તાલુકા અનુસાર બાલવાટિકા વર્ગમાં ધોરાજી તાલુકાના 739, ગોંડલ તાલુકાના 118, જામકંડોરણાના 480, જેતપુરના 1109, જસદણના 1669, કોટડાસાંગાણીના 857, લોધિકાના 632, પડધરીના 637, રાજકોટના 2153, ઉપલેટાના 1071 અને વિંછીયા તાલુકાના 1128 એમ કુલ 13541 વિદ્યાર્થીઓ અને ધોરણ 1મા ધોરાજી તાલુકાના 41, ગોંડલ તાલુકાના 339, જામકંડોરણાના 24, જેતપુરના 34, જસદણના 1912, કોટડાસાંગાણીના 46, લોધિકાના 48, પડધરીના 13, રાજકોટના 2465, ઉપલેટાના 29 અને વિંછીયા તાલુકાના 25 એમ કુલ 4976 વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ કરશે. ત્યારે શાળકીય નવા વર્ષના શુભારંભ સાથે શાળાઓ ભૂલકાંઓના કિલ્લોલથી ગૂંજી ઉઠશે.