હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડીમાં ઉપરાઉપરી બે સિસ્ટમના પ્રભાવ હેઠળ ચોમાસું નવા ભાગોમાં આગળ વધવા લાગશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા એકાદ પખવાડીયાથી સ્થગીત થયેલુ ચોમાસુ હવે બે દિવસમાં એકટીવ થઈ જશે અને આગામી 13મી જૂનથી આગળ ધપવા લાગશે તેવી મહત્વની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ ઉપરાંત ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આગાહીમાં જણાવ્યું છે કે પશ્ચિમમાં મુંબઈ અને પુર્વમાં પશ્ચિમ બંગાળ તથા સિકકીમ પર સર્જાયેલી સીસ્ટમના કારણે ચોમાસુ ફરી સક્રીય થઈ જશે.બંગાળની ખાડીમાં ઉપરાઉપરી બે સિસ્ટમ આકાર લઈ રહી છે જેને પગલે અગાઉ જ જયાં ચોમાસુ પ્રવેશી ગયુ હતું તે વિસ્તારો ઉપરાંત નવા ભાગોમાં તે આગળ ધપશે. ચોમાસાની ઉતરીય રેખા આગામી દિવસોમાં વિસ્તરશે અને નવા ભાગોમાં ચોમાસુ આગળ વધશે. પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં સાયકલોનીક સરકયુલેશન ઉદભવી ચૂકયુ છે અને તેના પ્રભાવ હેઠળ તટીય આંધ્રપ્રદેશ રાયલ સીમા તથા કર્ણાટકમાં વરસાદ વરસશે.
14મી જૂને ઉતરીય બંગાળની ખાડીમાં નવુ સાયકલોનીક સરકયુલેશન સર્જાશે અને તેમની અસરે ઓડીસા, ઝારખંડ, છતીસગઢ, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં વરસાદ વરસશે.
આ બંને સિસ્ટમની સંયુક્ત અસર હેઠળ ચોમાસુ સક્રીય થશે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છતીસગઢ તથા પુર્વીય મધ્યપ્રદેશમાં આગળ વધશે. જો કે 14મી જૂને ઉદભવનારા સાયકલોનીક સરકયુલેશનની અસર ઉપર વધુ વોચ રાખવામા આવી રહી છે.
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે 13મી જુલાઈથી ઉતર ભારતના રાજયોમાં હીટવેવની સ્થિતિમાંથી રાહત મળવા લાગશે. ઉતરીય મધ્યપ્રદેશ, પશ્ચિમી રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા દક્ષિણ પશ્ચિમી ઉતરપ્રદેશમાં હીટવેવની સ્થિતિ સર્જાયેલી છે.
ઉતરીય ઓડીશામાં સાયકલોનીક સરકયુલેશન છે અને તેના સંલગ્ન ભાગોમાં શક્તિશાળી ચોમાસુ પવનો ફુંકાવા લાગ્યા છે.