એક સમયે સોનાંની અને હથિયારોની દાણચોરી માટે કૂખ્યાત સલાયા હવે ડ્રગ્સ મથક બન્યું.
ખાસ-ખબર સંવાદદાતા
એક સમય હતો – જ્યારે સલાયાનાં દાણચોરોની અને અન્ડરવર્લ્ડનાં તત્વોની હાક વાગતી હતી. મુસ્લિમ દાણચોરો અને રામા નાથા ગઢવી જેવા લોકોની ગેન્ગે આખો પંથક માથે લીધો હતો. એ સમયે સરકારે આ માફિયારાજ ડામવા દૃઢ નિશ્ર્ચય કર્યો અને સતિષ વર્મા જેવા સખ્ત-કડક અધિકારીને મૂકીને આવા અસામાજિક તત્વોની ઘોર ખોદી નાંખી. કહો કે, કરોડરજ્જુ ભાંગી નાંખી.
એક જમાનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાબાનું સલાયા અગાઉ દાણચોરી માટે પંકાયુ હતું. આંતરરાષ્ટ્રિય ચીજવસ્તુઓ જેમાં સોનુ, ઘડિયાળો, ઈલેકટ્રોનિક સામાન ઉપરાંત ડીઝલ, ચરસ જેવા ડ્રગ્સનો કાળો કારોબાર સમયાંતરે બહાર આવતો હતો. તે દરમ્યાન વર્ષ 2018માં સલાયા પાસેથી રૃપિયા ત્રણસો કરોડની કિંમતનું હેરોઈન એટીએસની ટીમે પકડી પાડયા પછી બુધવારે સલાયામાંથી અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયુુ છે ત્યારે સલાયા વધુ એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.
- Advertisement -
સલાયામાં વર્ષ 1997માં પચ્ચીસ હજારની માનવ વસ્તી હતી. હાલમાં અંદાજે એંસી હજારની માનવ વસ્તી હોવાનું અનુમાન થયુુ છે. જેમાં નેવુુ ટકા વસ્તીમાં મુસ્લિમ છે અને ખાસ કરીને ભડેલા તેમજ મુસ્લિમ વાઘેર જ્ઞાતિનો વસવાટ છે. સલાયામાં મુખ્યત્વે વહાણવટાનો વ્યવસાય ચલાવાઈ રહ્યો છે. દૂબઈ, સોમાલિયા, આફ્રિકા, ઈરાન અને પાકિસ્તાન સાથે દરિયાઈ માર્ગે માલસામાન આવતો-જતો રહે છે. હાલમાં પણ સલાયાના અઢીસો વહાણ આ વેપારમાં કાર્યરત છે. ડીઝલની બે નંબરની હેરફેર પર બહુચર્ચિત છે. ડીઝલનુુ સમુદ્રમાં જ વેચાણ કરી નાખવામાં આવતુ હોવાની વાયકા ઉઠી રહી છે.
વર્ષ 1980 થી વર્ષ 200 સુધીના બે દાયકામાં સોનાંના ભાવમાં ખાસ્સો તફાવત રહ્યો હતો. જેના કારણે સલાયામાં સોનાની દાણચોરી પણ જે તે વખતે થઈ હતી. તે વખતના પોલીસ અધિકારી સુખદેવસિંહ ઝાલા, સ્વ. સરદારસિંહ ઝાલા, જે. કે. ઝાલા નામના અધિકારીઓએ કેટલોક જથ્થો પકડયો હતો. તે પછી તત્કાલિન કસ્ટમ સુપ્રી. રાજુ રાયઠઠ્ઠાએ ઓખાના દરિયામાં ભયદર ટાપુ પરથી પાકિસ્તાનની ગણાતી એક બિનવારસુ બોટ પણ ઝબ્બે લીધી હતી. ત્યારપછી વર્ષ 2001-’02માં જામનગરના તત્કાલિન પોલીસવડા સતીષ વર્માની દેખરેખ હેઠળ બે નંબરી નાણામાંથી બનાવવામાં આવેલા એકસો જેટલા અદ્યતન બંગલાઓ પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યુું હતુું. કડક અધિકારીની છાપ ધરાવતાં સતિષ વર્માએ બુધવારે સલાયામાંથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ પામેલા આરોપી સલીમ કારાના પિતાને પણ સલાયામાં જાહેરમાં કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
તે ઉપરાંત વર્ષ 2000ના દાયકામાં સલાયાના નામચીન શખ્સ કાસમ અબુ ભોકલના સાગરીત હારૃન ઉર્ફે હારકા નામના શખ્સે કસ્ટમ ટૂકડીના એક સિપાહી પર ટ્રક ફેરવી દઈ તેમની હત્યા કરી નાખી હતી. આમ, દાયકાઓથી સલાયાનું નામ ગુન્હાખોરીમાં અગ્રેસર રહેવા પામ્યુું છે. આ વિસ્તાર માટે અલગ વિભાગીય પોલીસ અધિક્ષક તેમજ અલગ કસ્ટમ આસિ.ની પોસ્ટ ઉભી કરવા તેમજ બંદર પર ચેકપોસ્ટ તેમજ સીસીટીવી કેમેરાની ચાંપતી નજર ગોઠવવાની હવે સમયની માંગ લાગી રહી છેે.
- Advertisement -
ડ્રગ્સનાં કાળા કારોબારથી ખદબદતું સલાયા : ભૂતકાળમાં સતિષ વર્માએ જામ ખંભાળિયા-સલાયાનો સફાયો કર્યો હતો, આવી જ સાફ-સૂફી જરૂરી

ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસેથી ઊંચી અપેક્ષા : સલાયાનો ઉદ્ધાર કરશે?
હાલનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પદભાર સંભાળતાવેંત જ પોલીસ ખાતામાં અને એ.ટી.એસ. વિભાગમાં પ્રાણ ફૂંક્યા છે. યુવા વયનાં હર્ષ સંઘવીએ ઋજુતા અને કઠોરતાનાં કાતિલ કોમ્બિનેશનનો પરિચય આપ્યો છે. સદ્દનસીબે હાલ અણીનાં સમયે તેઓ ગૃહમંત્રી છે. આવી સ્થિતિમાં તેઓ સલાયાની સફાઈ કરે તે અપેક્ષિત છે. સલાયાની સંપૂર્ણ સફાઈની જરૂર છે અને ગૃહમંત્રી આ પડકાર ઝીલી લેશે તેવી ગુજરાતને શ્રદ્ધા છે.



