રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં વધારો કર્યા બાદ આજે યુએસ ડૉલરના મુકાબલે 80.28 રૂપિયા પર ખુલ્યો હતો.

અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં વધારો કર્યા બાદ આજે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે.

રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. ગુરુવારે તે યુએસ ડૉલરના મુકાબલે 80.28 રૂપિયા પર ખુલ્યો હતો. આ પહેલા બુધવારે રૂપિયો 79.98 ના સ્તર પર બંધ થયો હતો. બુધવારે રૂપિયો તેની સૌથી નીચી સપાટી 80.45 પર પહોંચ્યો હતો. બીજી તરફ ડોલરમાં છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ડોલર સામે રૂપિયો ગબડે ત્યારે દેખીતી રીતે ભારતીય માર્કેટ પર એની મોટી અસર જોવા મળતી હોય છે. કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી રહી છે. વિશ્વની મહાસત્તા અમેરિકા પર પણ તેની ખૂબ જ ખરાબ અસર પડી છે.

2008ની મંદી પછી સૌથી ખરાબ મંદી

અમેરિકામાં છેલ્લા વર્ષોનો મોંઘવારીનો રેકોર્ડ તૂટી ગયો છે અને તેની સામાન્ય લોકોના જીવન પર ખૂબ જ ખરાબ અસર પડી છે. આવી સ્થિતિમાં દેશના મોંઘવારી દરને અંકુશમાં રાખવા માટે યુએસ ફેડરલ રિઝર્વે મોટો નિર્ણય લઈને તેના વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 75 બેઝીસ પોઇન્ટ્સનો વધારો કર્યો છે. જે હવે 3 થી 3.25% ની વચ્ચે પહોંચી ગયો છે. નોંધનીય છે કે વ્યાજ દર 2008ની મંદી પછી અત્યાર સુધીનો સૌથી વધુ છે.

લોન મોંઘી થશે
આ બાબતે માહિતી આપતાં જેરોમ પોવેલે કહ્યું કે ફેડરલ રિઝર્વ દેશમાં વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે દરેક જરૂરી પગલાં લઈ રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, બેંક ભવિષ્યમાં પણ ફુગાવાને કાબૂમાં લેવા માટે આવા પગલાં લેવાનું ચાલુ રાખશે. ઘણા નિષ્ણાતો માને છે કે ફેડરલ બેંક આ વર્ષના અંત સુધીમાં તેના વ્યાજ દરો વધારીને 4.40% અને આવતા વર્ષ સુધીમાં 4.60% કરી શકે છે. તેનાથી બજારમાં વસ્તુઓની માંગ ઘટશે અને ફુગાવાને કાબૂમાં રાખવામાં મદદ મળશે. આ સાથે જ આ નિર્ણયને કારણે દેવું પણ મોંઘુ થશે અને તેનાથી અમેરિકી અર્થવ્યવસ્થા પર વધુ દબાણ વધશે. વ્યાજદરમાં વધારાથી દેશમાં બેરોજગારી પણ વધી શકે છે.