રાજયમાં સૌથી વધુ અરજીઓનું જૂનાગઢ જિલ્લામાં નિરાકરણ થયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શિતા વધે તેમજ વ્યક્તિલક્ષી ઉકેલ ઝડપથી થાય તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહયા છે. સમગ્ર રાજયમાં હાલ સેવાસેતુનો 8 મો તબક્કો કાર્યરત છે. જેમા તા. 4 જુનના રોજ યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લામા કુલ 43936 અરજદારોની અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યુ હતુ. જૂનાગઢ જિલ્લામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં પ્રમાણપત્ર/દાખલાઓને લગત જેવા કે હેલ્થ વેલનેસ કાર્ડની 9520 અરજીઓ, ડીઝીટલ ટ્રાન્ઝેકશન લીટરેસીની 4481, 7/12- 8/અ ના પ્રમાણપત્રો 6192, મોબાઇલ નંબર સાથે બેન્ક એકાઉન્ટનું જોડાણની 652 અરજી, રાશનકાર્ડમાં નામમાં સુધારા કરવાની 137 અરજી એમ મળીને 25433 અરજીઓનો હકારાત્મક નીકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે કૃષિ અને સહકાર વિભાગની મેડીસીન સારવાર, પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, સર્જીકલ સારવાર, ડીવર્મીગ, રસીકરણ, કૃત્રિમ બીજદાન સહિતની 18503 પશુઓને સારવાર આપવામાં આવી હતી. રાજયના 33 જિલ્લા પૈકી સૌથી વધુ 43936 અરજીઓ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે.