જગતના મહાન વિજ્ઞાની સર આઇઝેક ન્યૂટનનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એના સમયમાં એવું એક પણ ક્ષેત્ર ન હતું જેમાં ન્યૂટનનું કોઈ ને કોઈ પ્રદાન ન હોય.
જગતના મહાનતમ ગણાયેલા સર ન્યૂટન જ્યારે મૃત્યુશૈયા પર હતા ત્યારે કોઈએ એમને પૂછ્યું, “તમે મૃત્યુ પામશો ત્યારે જ્ઞાનના મહાન ખજાનાનું પણ મૃત્યુ થશે. તમે તમારી સાથે કેટલું બધું લઈ જશો!”
ન્યૂટને જવાબ આપ્યો હતો, “હું શું જાણું છું? હું તો કશું જ જાણતો નથી. આ જગતમાં, આ બ્રહ્માંડમાં જ્ઞાનનો એક મહાસાગર લહેરાઈ રહ્યો છે. મેં તો એમાંથી માત્ર એક ખોબો જ ભર્યો છે.” આ સાથે ન્યૂટન મૃત્યુ પામ્યા.
ન્યૂટને જે કહ્યું તે જગતનાં તમામ જ્ઞાનક્ષેત્રો માટે સાચું છે. કોઈ પણ ડોકટર એવું કહી શકશે ખરા કે હું મેડિકલ સાયન્સનું બધું જ જ્ઞાન મેળવીને બેઠો છું?, કોઈ એન્જિનિયર એવું કહેશે કે જગતની તમામ ઇજનરી બાબતો હું જાણી ચૂક્યો છું?, કોઈ ખગોળશાસ્ત્રી એવું કહેશે ખરો કે હું આકાશનાં બધાં રહસ્યો જાણી ચુકૂયો છું?, કોઈ વકીલ કાયદા વિશે આવો દાવો કરી શકશે ખરો?
માત્ર બ્રહ્મજ્ઞાન જ એવું જ્ઞાન છે કે સંપૂર્ણપણે જાણી શકાય છે. જો સાચા હૃદયપૂર્વક તપ કરવામાં આવે, સાધના કરવામાં આવે, શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે, જો મગજના બંધ દરવાજા ઊઘડી જાય અને બ્રહ્મજ્ઞાન લાધે તો એ પછી બીજું કશું જ જાણવાનું રહેતું નથી. બ્રહ્મજ્ઞાન એ પૂર્ણજ્ઞાન છે.