ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં છાનાખૂણે ક્યાંકને ક્યાંક ઘાતક ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ગઈકાલે મોરબી ક્રાઈમ બ્રાન્ચ ટીમે કુબેરનગર નજીક આવેલ રોયલ પાર્કના રહેણાંક મકાનમાં દરોડો પાડીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 85 ફિરકા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. એલસીબી ટીમે તમામ મુદ્દામાલ કબ્જે કરીને આ ઘાતક વેપલામાં વધુ બે શખ્સોના નામ ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો હતો. મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોરબીના કુબેરનગરમાં રહેતો પ્રથમ મનસુખભાઇ વાણીયા તેના સાગરીતો સાથે મળી મોરબીના રોયલપાર્ક, કુબેરનગર પાસે રહેતાં કુણાલ બટુકભાઇ લુહારના રહેણાંક મકાનમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની ફીરકીઓનો જથ્થો સંગ્રહ કરીને તેનું વેચાણ કરે છે અને હાલ તેની પ્રવૃતિ ચાલુ છે. આ બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી પ્રથમ મનસુખભાઇ કેલા (રહે. કુબેરનગર, ત્રિલોકધામ મંદિર પાસે, મોરબી) ના કબ્જામાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 85 ફિરકા (કિં.રૂ. 17 હજાર) મળી આવ્યા હતા. આ ધંધામાં કૃણાલ બટુકભાઇ પિત્રોડા (રહે. મોરબી, રોયલપાર્ક, કુબેરનગર) તેમજ વિશાલ મહાદેવભાઇ કાચરોલા (રહે. મોરબી, કુબેરનગર) ની સંડોવણી હોવાની આરોપી પ્રથમે કબૂલાત આપતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.