ખાસ-ખબર સંવાદદાતા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, જે ઘણા સમયથી ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં સામેલ હતા, તે વર્ષ 2023ની શરૂઆતથી જ તેમાંથી બહાર છે, પરંતુ હવે ફરી એકવાર તેઓ તેમાં સામેલ થઈ શકે છે. અમે આવું નથી કહી રહ્યા પરંતુ તેમની નેટવર્થમાં થયેલા વધારાને કારણે આ સંકેતો મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં 2 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે અને આ સાથે અંબાણીની કુલ સંપત્તિ 90 અબજ ડોલરને પાર કરી ગઈ છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં 2.35 અબજ ડોલર એટલે કે 19,000 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. નેટવર્થમાં આ ઉછાળા પછી હવે તેમની સંપત્તિ વધીને 90.6 બિલિયન ડોલર થઈ ગઈ છે. ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ફરી એકવાર એન્ટ્રી લેવા માટેનું અંતર હવે ઘણું ઓછું છે.જો તમે ટોપ-10 અબજોપતિઓની યાદી પર નજર નાખો, તો મુકેશ અંબાણી હાલમાં 13મા સ્થાને છે અને તેમની ઉપર માત્ર ત્રણ અબજોપતિ છે. જેમની વચ્ચે પ્રોપર્ટીનું અંતર ઘણું ઓછું રહ્યું છે. તેમાં ફ્રાન્કોઈઝ બેટનકોર્ટ (92.6 બિલિયન), કાર્લોસ સ્લિમ (97.2 બિલિયન) અને સેર્ગેઈ બ્રિન (97 બિલિયન) છે. સર્ગેઈ બ્રિન હાલમાં આ યાદીમાં 10માં નંબર પર છે.
- Advertisement -
અદાણીની સંપત્તિમાં પણ થયો નોંધપાત્ર વધારો
વિશ્વના સૌથી મોટા અબજોપતિઓમાં સામેલ બીજા ભારતીય અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં અદાણીની નેટવર્થ 4.89 મિલિયન ડોલર વધીને 60.3 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. આટલી સંપત્તિ સાથે તે હાલમાં 21મા નંબર પર છે. નોંધપાત્ર રીતે, ગૌતમ અદાણી આ વર્ષે સંપત્તિ ગુમાવવામાં સૌથી આગળ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમની સંપત્તિમાં 60.2 બિલિયન ડોલરનો જંગી ઘટાડો થયો છે.