59.72 લાખની છેતરપિંડી અંગે અ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધતો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રૈયા રોડ પરના સમૃદ્ધિ પાર્કમાં રહેતા શખ્સે સરદારબાગ પાસેની એસબીઆઇ બેંકમાંથી હોમલોન તેમજ બે ટોપઅપ લોન લઇ કુલ રૂ.59.72 લાખ મેળવ્યા બાદ બેંકમાં રકમ પરત નહીં આપી ઠગાઇ કરી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
- Advertisement -
રાજકોટના રૈયા રોડ પરના અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા અને સરદારબાગ સર્કિટ હાઉસ સામે આવેલી એસબીઆઇ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતાં કનકસિંહ રઘુવીરસિંહ ઝાલાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમૃદ્ધિ પાર્કમાં રહેતા સચિન ચુનીલાલ જટાણિયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.15 નવેમ્બર 2018ના સચિન જટાણિયાએ એસબીઆઇની જીમખાના શાખામાં પોતાની એલએનટી કંપનીમાંથી પોતાની હોમ લોન ટેકઓવર કરવા અરજી કરી હતી. ઓનલાઇન પ્રોસિઝર કરી આ સચિનની રૂ.12 લાખની હોમલોન તા.20 નવેમ્બર 2018ના ટેકઓવર કરી હતી, બાદમાં સચિને ટોપઅપ (વધારાની) લોન લેવા માટે અરજી કરતાં તા.1 સપ્ટેમ્બર 2021ના રૂ.21.22 લાખ તથા બીજી અરજી કરી રૂ.26.50 લાખની વધુ એક ટોપઅપ લોન કરી હતી ત્યારબાદ રાજકોટ ધનેશ ક્રેડિટ કો.ઓપેરટિવ સોસાયટીમાંથી એસબીઆઇ બેંકને એક લેટર મળ્યો હતો જેમાં એસબીઆઇએ જે મિલકત ઉપર હોમ લોન આપી હતી તે મિલકત પર ધનેશ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાંથી પણ લોન લીધી છે, સચિને જ્યારે એસબીઆઇમાંથી લોન લીધી અને જે મિલકત ગીરો બતાવી તે મિલકત પર કોઇ દેણું નથી તેમજ અન્ય કોઇ સંસ્થામાં તે ગીરો નથી તેવું સોગંદનામું પણ તેણે કરી આપ્યું હતું. આમ સચિને ખોટું સોગંદનામું કરી એસબીઆઇ બેંકમાંથી રૂ.59.72 લાખની લોન મેળવી, તે રકમ ભરપાઇ નહીં કરી છેતરપિંડી આચરી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.