પરિપ્રેક્ષ્ય:સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
“શેતાને સૌથી મોટી તો એ જ ચાલ ચાલી કે દુનિયાને એ જ ખબર ન પડવા દીધી કે તેનું પણ અસ્તિત્વ છે”
-ફિલ્મ યુઝ્યુઅલ સસ્પેક્ટસ
- Advertisement -
દુનિયા એક જંગલ છે અને જંગલમાં નબળાનો જ પહેલા શિકાર થાય છે. ઘણા માનવપ્રાણીઓ આપણી આસપાસ પોતાની હવસ અને ભૂખને સંતોષવા અંત મારતાં જ હોય છે. તેમાં એવું નથી વિચારતું કે મારો વાંકગુનો શું છે? તમે નબળા લાચાર છો એ તમારો વાંક! પણ ઘણીવાર આ માનવ પ્રાણીને પણ કોઈ માથાનું મળે છે. ચોર, લૂંટારા, બળાત્કારીઓ પણ અંતે કર્મની ચક્રીય ગતિથી બચી નથી શકતા. એક નાની ઘટના એક આખા ઘટનાક્રમને જન્મ આપે અને અંતે તેના લીધે આખી નિયતિમાં એક જબરદસ્ત પલટો આવે તે બટરફ્લાય ઇફેક્ટ છે. તો સામા પક્ષે જે વિક્ટિમ છે તે પણ શિકારીના રોલમાં આવીશ શકે. હમણાં એક ફિલ્મના બહુ વખાણ સાંભળ્યા અને જોઈ નાંખી – મહારાજા. નિથીલાન સ્વામિનાથને નિર્દેશીત કરેલી તે ફિલ્મમાં વિજય સેતુપતિની મુખ્ય ભૂમિકા છે તથા મુખ્ય ખલનાયકનું કિરદાર નિભાવ્યું છે અનુરાગ કશ્યપે. કહાની કૈક આમ છે: એક આધેડ વયની વ્યક્તિ કે જે પોતાની નાની દીકરી સાથે રહે છે તે પોલીસ સ્ટેશનમાં પોતાની એક કચરાપેટીની ચોરાયાની ફરિયાદ લખાવે છે. તે કચરાપેટી તેના માટે નસીબવંતી હોવાથી તેનું નામ લક્ષ્મી રાખેલ હોઉં છે. બીજી બાજુ શહેરમાં લૂંટારાઓની એક ગેંગ સક્રિય છે અને તેઓ લૂંટફાટ કરીને ઠંડા કલેજે પોતાના શિકારની હત્યા કરી નાંખે છે, અરે, તરુણીઓ પર બળાત્કાર ગુજારતાય અચકાતા નથી. બ્રષ્ટ પોલીસ અધિકારીની એક ટુકડી છે જે અમીરોને લૂંટવાનું કામ કરે છે. તો આ બધાય છેડા કેવી રીતે ભેગા થાય છે? નાયકને પોતાની કચરાપેટી મળે છે? આ બધા પ્રશ્નોના જવાબ માટે ફિલ્મ જોવી રહી. ફિલ્મ બહુ વખણાયેલી હોવા છતાં એકદમથી એવી ન લાગી. ફિલ્મમાં વાર્તા બાબતે અમુક છીંડા રહી ગયા છે. કલાકારોની એક્ટિંગ એક વિજય સેતુપતિ સિવાય બહુ ખાસ ના લાગી. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ. પણ આ સસ્પેન્સ ફિલ્મમાં તકલીફ એ છે કે જે રહસ્ય ઘૂંટાય એ તેની અસુરેખ વાર્તાને આભારી છે. નોન લિનિયર સ્ટોરી એક સસ્પેન્સ ઉભું કરવા સિવાય કઈ ખા સનથી કરતી. બીજી બાજુ મુવીનું વિષયવસ્તુ આમ ઘણું ડાર્ક હોવા છતાં શરૂઆતમાં કથાને બહુ હળવાશથી દર્શાવી છે કે જે આગેકલ જતાં બહુ ડાર્ક બને છે જેના કારણે એકંદરે ફિલ્મનો મૂડ સ્થાયી રહેતો નથી.
વિરામ:
સત્યમેવ જયતે કરતા બલમેવ જયતે એ સૂત્રમાં વધુ તથ્ય છે
જોકે, ફિલ્મ આમ સામાન્ય નથી જ. તેમાં ઘણા બધા સારા પાસા પણ છે. સૌથી મહત્વની બાબત એ કે તેમાં કચરાપેટી જેવી એક વસ્તુને લગભગ મૂવીનું એક પાત્ર જ બનાવી નાખી છે. તેના નામ લક્ષ્મી સાથે જોડાયેલું સિમ્બોલિઝમ બહુ સરસ. વિજય સેતુપતિ થાણામાં મારા ઘરની લક્ષ્મી ચોરાઈ ગઈ છે એમ કહે તે વાત બહુ જ અદભુત રૂપક છે. પોલીસખાતામાં ચાલતી ગેરીરીતીઓ સરસ દર્શાવાઈ છે. અમુક અમુક જગ્યાએ જોરદાર સંકેતો મુક્યાં છે. ક્લાઈમેક્સ પહેલાના દ્રશ્યમાં સામાન્ય વ્યક્તિના રોષ અને પીડાનું કેથાર્સીસ બહુ પ્રભાવીરીતે બતાવ્યું છે, નેટ પણ ઘણી જગ્યાએ તે સીનને વખાણવામાં આવ્યો છે. ક્લાઈમેક્સમાં આવતી ટવીસ્ટ ઘણાને આંચકાજનક લાગી પણ નિયમિત થ્રિલર મુવી જોતા દર્શકોને તેમાં પહેલેથી અણસાર આવી જ જશે. તો એ કઈ બહુ ખાસ નથી. હિન્દી ડબિંગ તો આમેય સાઉથના મુવીનું એટલું સરસ થતું જ નથી એટલે એ જામ્યું નહિ. પ્રતિશોધ લેવા માટે મારવા મરવા પર આવી ગયેલા માણસની તડપ અને કર્મની ગતિ દર્શાવતો ક્લાઈમેક્સ મને પર્સનલી ગમ્યો પણ એ કઈ એટલી મહાન પ્લોટ ટવીસ્ટ નથી. લોકો ફિલ્મને અમુક હદ સુધી કોરિયન ક્લાસિક ’ઓલ્ડબોય’ સાથે સરખાવે છે પણ આ ફિલ્મ ઘણી અલગ છે. ઈન શોર્ટ ’મહારાજા’ એક ઠીકઠાક અને ટાઈમપાસ કરવા યોગ્ય ફિલ્મ છે.
પૂર્ણાહુતિ:
“ગુનેગારો ત્યારે ફૂલેફાલે છે જયારે તેમના ગુના બદલ આ સમાજ તેઓને નાહક માફ કરી દે છે.”
– ફિલ્મ બેટમેન બિગિન્સ