આપની આંખે રહેવાનું, થયું છે આજકાલ
જોઈ લીધી મેં ય જન્નત, કોઈને કે’તા નહીં
વ્હાલી જિંદગી,
- Advertisement -
ઉતરતી સાંજના સુમારે આકાશમાં ઘેરાયેલાં કાળા ડિંબાગ વાદળો જોતા મન વિચારમાં પડી જાય છે. અવિરત મળતી ભગવાનની કૃપા અને પ્રસાદ એટલે તું. થોડી વારમાં ઝાલર ટાણું થશે. મહાદેવના મંદિરે નગારા પર પડતી દાંડી અને મારાં અસ્તિત્વ પર સતત ફરતો રહેતો તારો પ્રેમાળ હાથ એ મારે મન તો કોઈ દિવ્યચેતનાની ક્ષણ જ છે. આંખો બંધ કરી સતત તારામાં રત રહેવું મને બહું ગમે છે. તારી ભીતર ધરબાયેલું મારું મૂળ શોધી હું એની ખેવના કરવામાં તલ્લીન રહું ત્યારે મને તું સાચે જ જીવવા જેવી લાગે છે. અઢળક ઉઝરડાં, અધમણ નિસાસા, ઢગલો દુ:ખ આ બધું તો કાળને આધીન છે એ સમજણ સ્ફૂરી ત્યાર પહેલાં મેં તને પામી લીધી હતી એટલે જ હા એટલે જ મારામાં આટલો અજવાસ છે. તારા શ્વાસની સુગંધથી મારામાં પારિજાતના ફૂલ ખીલી ઊઠે છે. તારા નીતરતા ભીના વાળમાં મારું જીવતર જાણે મુખ સંતાડી, અંગડાઈ લઈ, સુગંધિત થઈ ઝૂમી ઊઠે છે. તારામાં વાવેલી શ્રદ્ધાના મૂળ છેક ભીતરથી ફરીથી કૂંપળ બની ફૂટી રહ્યાં છે. મારી શ્રદ્ધા દ્વિગુણિત બની રહી છે એ વાતથી હું બહું ખુશ છું. મારી લાગણી તારી ભીતર પહોંચી તને ઢંઢોળે છે ત્યારે મારાં હરખનો પાર નથી રહેતો. તારી સાથે રહી, તને પ્રેમ કરતાં કરતાં હું સ્વાર્થી બની ગયો છું. મારો સ્વાર્થ એટલો જ કે તું સતત મારી સાથે, મારી અંદર, મારી આરપાર છેક સુઘી રહે. જિંદગી! તું મારી અણમોલ મૂડી છે. તું મને સતત વિકસાવી રહી છે. કોઈ કુશળ બાણાવળી જમીન અંદર બાણ મારી તીરને ભીતર ઉતારી પૃથ્વીના પેટાળમાંથી પાણીનો ધોધ કાઢે એમ જ મારાં દિલની અંદરથી તું લાગણીના ઝરણાં ફોડી રહી છે. આ પવિત્ર જળની છોળ તને ભીંજવી જશે કારણ કે એ જળના પ્રગટીકરણનું પ્રેરણાબિંદુ તું જ છે. જિંદગી! હું સતત તારી ઝંખનામાં ડૂબેલો રહું છું કેમ કે તારી ઝંખના પણ મને જીવાડે છે. જ્યારે એ ઝંખના સાક્ષાત્કારમાં પરિણમે છે ત્યારે હું મને જીવનના કોઈ નવા આયામ પર પહોંચેલો અનુભવું છું. તું મારાં દિલમાં સતત પ્રગટતા દીવાની અચળ અને અટલ જ્યોત છે જે કપરા તોફાનમાં પણ પ્રજ્વલિત રહે છે. મેં વાવેલા શ્રદ્ધાના એ છોડને આ જ્યોત જીવાડી રહી છે… વિકસાવી રહી છે…
જિંદગી! તું મારા સપનાની ચાદર છે જેને ઓઢીને હું સુખની નીંદર માણી શકું છું. દિલમાં કોઈ ખાલીપો નથી, મનમાં કોઈ જ ઉચાટ નથી અને શરીરમાં કોઈ રોગ નથી કારણ કે તું સતત મારામાં ધબકે છે. શ્વાસ ચાલે છે તો એનું એકમાત્ર કારણ તું છે. તારી ગોદમાં ભરાઈ જવું, તારી છાતીમાં માથું સંતાડી તારી સુગંધને માણવી, તારામાં ઓગળી જિંદગીમય બની જવું – સાવ સહજતાથી આ બધું થઈ રહ્યું છે. દિવસે દિવસે મારો પ્રેમ યુવાન બનતો જઈ રહ્યો છે. હું તારી સાથે સલામતી અનુભવી રહ્યો છું એનું કારણ એ જ છે કે તું તારા બંને હાથ મારા પર રાખે છે. પાંપણ ઉપર સપનાના તોરણ ઝૂલી રહ્યા છે. આ તોરણ ઝૂલ્યા જ કરશે તો મને જીવી જવાનો આનંદ થશે. તું મારા સપનાને સિદ્ધ કરનાર અવિચળ તત્વ છે. તારા વિશે મારે કશું જ વિચારવું પડતું નથી કારણકે તું સતત મારી ભીતર જ જીવી રહી છે, મને જીવાડી રહી છે, મને ચલાવી રહી છે અને મને ભીંજવી રહી છે. તારા આ સ્નેહની કોઈ જ સીમા નથી.હું સ્વર્ગનો અધિકારી થઈ અને સત્તારૂઢ થયો હોઉં એમ ગર્વિષ્ઠ બનીને જીવી રહ્યો છું. મને કોઈ જ પરવા નથી. મારી અંદર જિંદગી… જિંદગી… જિંદગી… એવું કંઈક જીવી રહ્યું છે. મારી હથેળીમાં સુખની રેખા નીકળી આવી છે અને તે એટલી બધી લંબાતી જાય છે કે સુખના ઝાડ ઉગી જવાની એક અકલ્પનીય ઘટના બની છે. બસ શ્વાસ પર્યંત તારામાં સમાયેલું રહેવું જ પ્રથમ અને અંતિમ લક્ષ્ય છે.
સતત તને જીવતો…
જીવ.