કુકમા આશ્રમના મહંત રામગિરિ મહારાજ પર હુમલો
કચ્છ જિલ્લાના નખત્રાણા નજીક નાગલપર ગામ પાસે ગરવા સમાજના 18મા સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો. આ દરમિયાન કુકમા આશ્રમના મહંત રામગિરિ મહારાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર માંડવીના વકીલ રમણિક ગરવાએ હજારો લોકોની હાજરીમાં મહંત પર હુમલો કરવામાં આવ્યો હતો.
- Advertisement -
સાત લોકો દ્વારા જાનથી મારી નાખવાની કોશિશ
આ અંગે 52 વર્ષીય મહંત રામગીરી ગુરુશ્રી મહેન્દ્રગીરી મહારાજ દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. મહંત ત્રિકમ સાહેબ આશ્રમ કુકમા ખાતે રહે છે. તેમની ફરિયાદ પ્રમાણે સાત આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાના ઈરાદે એક સંપ થઈને તેમનું ગળું પકડી માર માર્યો અને સન્માનમાં આપવામાં આવતી છબી તેમના માથે મારી હતી. તેમને નીચે પાડી દઈને પુરો જ કરી દેવો છે તેવું કહી બે હાથથી ગળુ પકડી દબાવીને માર માર્યો. ઉપરાંત જાહેરમાં અપશબ્દો આપી સ્ટેજ પર આવીને ઝપાઝપી કરી હતી. આ ઘટનાથી સમગ્ર સ્થળ પર ખળભળાટ મચી ગયો હતો. પોલીસનું કડક બંદોબસ્ત હોવા છતાં આ પ્રકારની ઘટના સામે આવી હતી.
તેમણે વધુમાં કહ્યું કે હું ગુરુ ગરવા સમાજમાંથી આવું છું અને પશ્ચિમ કચ્છ સમાજના 18મા સમુહ લગ્ન ગત તા. 12મીએ એટલે કે ગઈકાલે હતા. જેમાં મને મહંત તરીકેનો દરજ્જો આપવામાં આવ્ય હતો. જે નાગલપુર ફાટક ગરવા સમાજ વાડી ખાતે હતો. દરમિયાન 11મીએ અમારા ગરવા સમાજના માજૂ પ્રમુખ રમેશભાઈ ગરવા તથા પ્રાણભાઈ ગરવા અને ગરવા સેવા ટ્રસ્ટના પ્રમુખ હીરાલાલ જીવરાજભાઈ ગરવા, મંત્રી ધીરજભાઈએ મને સમૂહ લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું હતું.
- Advertisement -
હું સમાજના પ્રસંગમાં અન્ય આગેવાનો સાથે સ્ટેજ પર બેઠો હતો. સન્માનની વિધી ચાલી રહી હતી. મારા સન્માન માટે જ્યારે મને ઊભો કર્યો ત્યારે અમારા જ સમાજના આરોપી રમણીક શાંતિલાલ ગરવા (માંડવી) સ્ટેજ પર આવ્યા અને મારા પર હુમલો કરી દીધો. રમણીકનું ઉપરાણું લઈ વિશાલ રવિલાલ ગરવા (ભુજ), દિપક તુલસી ગરવા (નખત્રાણા), પ્રકાશ દેવજી ગરવા (નખત્રાણા), ભદ્રેશ ભવાન ગરવા (ભુજ), ધવલ હીરા દવે (નખત્રાણા), ભરત પુંજા ગરવા (નખત્રાણા) એ ભેગા મળી મને માર માર્યો હતો.
અગાઉ પણ આવી ઘટનાઓ બનેલી
આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં અવરોધ આવે તેવા વૉટ્સએપ ગ્રુપ્સ બનાવવામાં આવેલ હતા. જેમાં ભડકાઉ મેસેજ મોકલવામાં આવતા. ઉપરાંત કાર્યક્રમમાં આવતા મહેમાનોનું અપમાન કરવાની ધમકી આપવામાં આવી હતી અને અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
વકીલ રમણીકે એક વર્ષ પહેલા પણ કુકમા ખાતે આશ્રમ પર આવીને મહંત સાથે માથાકુટ કરી હતી જેની ફરિયાદ પધ્ધર પોલીસ મથકે આપવામાં આવી હતી. રમણીક તથા અન્યોએ મહંતને જાનથી મારી નાખવા માટે ધમકી પણ આપી હતી.