એના રૂપાળા ચહેરાથી અંજાઇ ગયો

લાગણીવેડામાં ફસાઇને માનસિક રીતે ભાંગી પડ્યો

  • મેધા પંડ્યા ભટ્ટ

સોમેશની વાત ખરેખર મને એટલા માટે ગમી કે આજકાલ ઘણા એવા કિસ્સાઓ બનતા હોય છે, કે જેમાં કોઇ યુવકનો કે પુરુષનો વાંક હોતો નથી, છતાંય તેમને હેરાનગતિ સહન કરવી પડે છે. એવું નથી કે મેં ફક્ત સોમેશની વાત સાંભળીને એકતરફી નિર્ણય આપ્યો છે પણ તેની સાથે જોડાયેલી મહિલાને પણ સાંભળી અને સમજાવીને બંનેને છૂટા પાડ્યા છે. હા, એક અર્થ વિનાના પ્રેમ સંબંધને છૂટું કરવામાં હું નિમિત્ત બની છું.

ડેટીંગ એપ પર સોમેશ સાથે વાતચિત લગભગ એક અઠવાડિયા સુધી ચાલી અને ત્યારબાદ અમે બંનેએ નંબરની આપ-લે કરી. તેની સાથે ચેટીંગ અને ફોનની વાતચિત પરથી થોડો ડિસ્ટર્બ લાગતો જ હતો પણ મારી સાથે વધારે ખુલીને વાત કરી શકતો નહોતો. એક દિવસ સાંજે અચાનક સાત વાગે મને તેનો ફોન આવ્યો કે મને મળી શકીશ. મેં હા પાડી અને અમે એક કેફેમાં મળ્યા. તે ગભરાયેલો અને થોડો ડિસ્ટર્બ લાગી રહ્યો હતો. મેં તેને કારણ પૂછ્યું તો મને કહ્યું કે એક મહિલાના ભાઇએ મને મારવા માટે આજે મારા ઘરે માણસો મોકલ્યા હતા. મને નવાઇ લાગી અને મેં કહ્યું કે મને શાંતિથી વાત કર કે શું તકલીફમાં છે. તેણે મને તેની વાત કહેવાની શરૂ કરી.

હું આજથી છ મહિના પહેલા એક મહિલાના સંપર્કમાં આવ્યો. તે ફેસબૂકમાં મને મળી હતી. હું રોજ સવારે મારા ઘર પાસે આવેલા ગાર્ડનમાં જોગીંગ માટે જાઉં છું. ઘણીવાર હું સવારની કસરતના વિડીયો પોસ્ટ કરતો હતો. આ મહિલાનું નામ રૂપલ છે. તે મને રેગ્યુલર ફેસબુકમાં ફોલો કરતી હતી. મેં ક્યારેક એની સાથે હાય, હેલોની વાત પણ કરી હતી. હું બે-ત્રણ દિવસથી જોગીંગ વખતે ગાર્ડનમાં એક મહિલાને જોતો હતો. જે બાંકડાં પર બેસીને મને જોયા કરતી. મને તે ચહેરો જાણીતો લાગ્યો. હું થોડો ફ્લર્ટી સ્વભાવનો છું તેથી હું પણ જોગીંગ દરમિયાન તેને સિગ્નલ આપતો હતો. તેની ઉંમર મારી કરતા વધારે હતી, તેનું શરીર સ્થૂળ હતું પણ દેખાવમાં સારી લાગતી હતી. એક દિવસ જોગીંગ કરતી વખતે હું તેની બાજુમાંથી પસાર થયો તો તેણે મને મારું નામ દઇને બૂમ પાડી. મને નવાઇ લાગી અને મેં તેને પૂછ્યું કે તમે મને કઇ રીતે ઓળખો છો. તેણે ફેસબૂક ફ્રેન્ડ છીએ તેમ મને કહ્યું. તેની સાથેની વાતચિતમાં મને ખબર પડી કે તે મારા બધા અપડેટને ફોલો કરતી હતી અને એટલે જ આ ગાર્ડનમાં મને મળવા માટે આવતી હતી.

જોકે હું તેની આ વાતથી ઇમ્પ્રેસ થયો અને પોતાની જાત પર થોડું અભિમાન પણ થયું કે કોઇ મારી પાછળ પાગલ થઇ ગયું છે. તે પછી તો અમે રોજ સવારે ગાર્ડનમાં મળવા લાગ્યા. હું મારા ઘરે એકલો જ રહેતો હોવાથી અઠવાડિયે એકવાર મારા ઘરે પણ ખૂબ જ સરળતાથી મળતા હતા. તેને મારી સાથે શારીરિક સંબંધ બાંધવામાં એકાદ મહિનો જેવો સમય થયો કારણકે જેમ જેમ રૂપલની સાથે સમય પસાર કરી રહ્યો હતો, તે મને શરમાળ અને વધારે પ્રમાણમાં લાગણીશીલ હોય તેવું લાગ્યું. અમે બંને પહેલીવાર મારા ઘરે જ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ હું ટૂર પર ચાર દિવસ હતો, તો તેની સાથે સંપર્ક ન કરી શક્યો. તો તે શારીરિક સંબંધની પળોને યાદ કરીને મને અનેકવાર ઢગલો મેસેજ કર્યા. મને આ બાબત વધારે પડતી લાગી પણ તેના પર ધ્યાન આપ્યું નહીં. ટૂર પરથી આવીને હું રૂપલને મળ્યો તો તે વધારે જ મારામાં ઇન્વોલ્વ થઇ ગઇ હતી તેવું મને લાગ્યું.

અમે ફરીથી બીજીવાર શારીરિક સંબંધ બાંધ્યો અને તેણે મારા માટે મારા ઘરમાં જમવાનું બનાવ્યું, મારું ઘર સાફ કરી દીધું અને એક પત્નીની જેમ મારી સાથે વર્તન કરવા લાગી. મને થોડું અજુગતું લાગતું હતું. રૂપલ મારા કરતા ઉંમરમાં મોટી હતી અને તે સિવાય હું તેની સાથે કોઇ સિરિયસ રીલેશનશીપમાં નહોતો. થોડા દિવસો પસાર થયા અને એક શનિ-રવિ આવ્યો તો મારા કેટલાક મિત્રોએ મને અચાનક જ ઘરેથી ઉપાડી લીધો અને આબુ ફરવા માટે લઇ ગયા. હું બે દિવસ રૂપલના સંપર્કમાં જરા પણ રહી શક્યો નહીં. રવિવારે રાત્રે ઘરે મોડો આવ્યો તો જોયું તો રૂપલ મારા ઘરના બારણા પાસે બેઠી હતી. મને જોતાની સાથે જ તે મારા પર ગુસ્સો કરવા લાગી અને મારવા લાગી. મેં તેને ઘરની અંદર લીધી અને આ રીતે વર્તન કરવાનું કારણ પૂછ્યું, તો તેણે કહ્યું કે હું સંપર્કમાં કેમ નહોતો અને તેને કહ્યા વિના કેમ ગયો હતો. મને આ વાત તે વખતે વધારે લાગી અને મેં તેને ગુસ્સામાં કહ્યું કે હું તારો વર નથી અને તારે મારા જીવનમાં હું શું કરું છું તેમાં દખલગીરી કરવાની જરૂર નથી. તેને મારી આ વાતનું એટલું બધુ ખોટું લાગ્યું કે તે સીધી નીકળી ગઇ.

રૂપલ મારા કરતા ઉંમરમાં ખૂબ મોટી હતી અને મને સમજાવા લાગ્યું હતું કે તે મારી બાબતને લઇને વધારે સિરીયસ થઇ ગઇ છે. તે મને બે દિવસ સુધી ન મળી. મેં પણ તેને કોઇ સંપર્ક ન કર્યો. ત્રીજે દિવસે તે એની કોઇ મિત્ર સાથે મારા ઘરે રાત્રે આવી. તેની મિત્રએ મને કહ્યું કે તમે આનો ઉપયોગ કરો છો, તેને લગ્નનું કહીને તેની સાથે સંબંધ બાંધ્યો છે. હું તો આ સાંભળીને સ્તબ્ધ થઇ ગયો. મેં રૂપલને પૂછ્યું કે તેં તને લગ્ન કરવાનું ક્યારે કહ્યું તું. તો તે દલીલો કરવા લાગી. અમારે બંનેને ખૂબ ઝગડો થયો અને તેની મિત્ર બધુ સાંભળતી હતી. અમારી વાતચિત પરથી તેની મિત્રને લાગ્યું કે ક્યાંક હું સાચો છું. તે બંને ઘરે જતા રહ્યા પણ રૂપલની મિત્ર મને બીજે દિવસે મળવા આવી. તેણે મને રૂપલ વિશેની વાતો પૂછી અને મેં તેને બધુ જ સ્પષ્ટ કહ્યું કે અમે કેવી રીતે મળ્યા અને તે કેવી રીતે મારા સંપર્કમાં આવી.

તેની મિત્રએ મને કહ્યું કે તે વધારે પ્રમાણમાં લાગણીશીલ છે અને તેની સાથે કોઇ વ્યક્તિ વધારે પ્રેમભાવ દર્શાવે તો તે તેના પર પોતાનો માલિકીનો હક સમજવા લાગે છે. તેની લાગણી તેને ઘણું નૂકસાન પહોંચાડે છે. આ પહેલા તેના ચાર-પાંચવાર સગપણ તૂટી ચૂક્યા છે અને આજદિન સુધી લગ્ન ન થઇ શકવાનું કારણ તેનો વધારે પડતો દખલગીરી અને માલિકીભાવ વાળો સ્વભાવ જ રહ્યો છે. મેં રૂપલની મિત્રને કહ્યું કે, મેં લગ્ન માટેનું કોઇ વચન તેને આપ્યું નહોતું અને અમારી વચ્ચે જે પણ થયું, તેમાં મેં એને ક્યારેય બળજબરી કરી નથી. રૂપલે તેની ઇચ્છાથી જ મારી સાથે સંબંધ બાંધ્યા છે અને અમારી વચ્ચે આજદીન સુધી ત્રણથી ચાર વાર શારીરિક સંબંધ બંધાયા છે. મને રૂપલની મિત્રએ રૂપલની સાથે પ્રેમ અને સમજાવટથી સંબંધ ધીમે ધીમે ઓછો કરવા જણાવ્યું. જેમાં તેને કોઇ માનસિક કે શારીરિક તકલીફ ન પહોંચે. હું તે મુજબ કરવા લાગ્યો. તો તેનું પરિણામ વધારે ખરાબ આવ્યું. રૂપલ મને રડતા વિડીયો અને ફોટોઝ મોકલવા લાગી. એકવાર તો તેણે હાથમાં લોહી કાઢ્યું હોય તેવો વિડીયો મને મોકલ્યો. હું તો ગભરાઇ ગયો અને રૂપલની મિત્રને ફોન કર્યો. તે રૂપલને લઇને મને મળવા આવી. મેં રૂપલને સમજાવી, તેની મિત્રએ પણ સમજાવી પણ તે જીદ પર હતી. કોઇની વાત માનવા તૈયાર નહોતી. હું તો થાકી રહ્યો હતો અને મનથી ભાંગી રહ્યો હતો.

આવી જ રીતે તે એકવાર રૂપલ એના ઘરમાં એના રૂમમાં રડતા રડતા મારી સાથે વિડીયો કોલમાં વાત કરતી હતી અને તેનો ભાઇ પાછળથી રૂમમાં આવી ગયો. તેને અમારા સંબંધ વિશે ખબર પડી ગઇ. હું તો વધારે ગભરાઇ ગયો. જોકે મને તે સમયે તેના ઘરના લોકો તરફથી કોઇ હેરાનગતી નહોતી થઇ. આ લાગણીશીલ મહિલાના પ્રેમમાંથી કઇ રીતે પોતાને બચાવવો તે મને સમજાતું નહોતું. મને તેના મારી પ્રત્યેના પ્રેમ માટે આદરભાવ હતો, પણ તેની સાથે લગ્ન કરીશ તેવું મેં તેને ક્યારેય કહ્યું જ નહોતું. અમે બંને એકબીજાની જરૂરીયાત સંતોષવા માટે જ સાથે હતા, તે વાત પણ અમારી વચ્ચે શરૂઆતમાં સ્પષ્ટ હતી. જેમ જેમ અમે વધારે મળતા ગયા તેમ તે વધારે લાગણીમાં તણાતી ગઇ અને મને તેની ખબર જ ન પડી. રૂપલે જાતે જ વિચારી લીધુ હતું કે તે મારી સાથે જીવન જીવશે અને લગ્ન કરશે. હવે મને તેની વાતો અને હરકતોથી પણ ડર લાગવા લાગ્યો હતો. તેથી મેં મારું મન બીજે ક્યાંક સેટ કરવા મ્યુઝીક ક્લાસમાં ગિટાર શીખવાનું શરૂ કર્યું. હવે હું રૂપલને ઓછું મળતો હતો. મને એમ હતું કે તે ધીમે ધીમે મારાથી દૂર થઇ જશે. તો તેનું પરિણામ ઊંધુ આવ્યું. તે મારા મ્યુઝીક ક્લાસ નીચે આવીને રાહ જોતી. હું ખરેખર એટલી હદે કંટાળી રહ્યો હતો કે કંઇ જ સૂજતું નહોતું. બે વખત તો હું સંતાઇને બીજે રસ્તેથી નીકળી ગયો, પણ એક દિવસ તો તે ક્લાસિસની બહારના દરવાજે જ આવીને ઊભી રહી. મારે તેને મળવું જ પડ્યું. તે મને લગ્ન માટે દબાણ કરવા લાગી. જો લગ્ન નહીં કરું તો તેના ભાઇઓને મારી વિશે કહી દેશે તેમ કહેવા લાગી.

હું હવે મારી એક ભૂલને લઇને એટલો પસ્તાઇ રહ્યો હતો કે કંઇ જ સમજાતું નહોતું. મે ઘરે જઇને તેને બ્લોક કરી દીધી. તો તેણે પોતાની હાથની નસ કાપી નાખી. તેના ભાઇઓએ મને મારવા માટે ઘરે માણસો મોકલ્યા. હું કંઇ જ સમજી નથી શકતો કે શું કરું અને કેવી રીતે કરું. હવે આ મહિલાના પાગલ પ્રેમમાંથી પોતાને બચાવવાનો ઉપાય ક્યાંય જડતો નથી.

સોમેશની વાત સાંભળ્યા પછી મેં તેને પહેલા જ કહ્યું કે તારી સૌથી મોટી ભૂલ છે. એક મહિના સુધી તું તે મહિલાને અને તેના સ્વભાવને ઓળખી ન શક્યો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી દીધો તે ખોટું હતું. કોઇપણ સ્ત્રી જ્યારે કોઇ પુરુષ સાથે લાગણીથી જોડાય અને પછી તે બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાય તો તે પુરુષ તેના માટે સર્વસ્વ બની જતો હોય છે. સોમેશને આ વાત સમજાવી અને તેણે પોતાની ભૂલ પણ સ્વીકારી. બીજી બાજુ મેં રૂપલની મિત્રને મળવા બોલાવી અને તેની સાથે રૂપલને કેવી રીતે સમજાવવી અને સોમેશ સાથેના તેના સંબંધનો કેવી રીતે અંત લાવવો તેની ચર્ચા કરી. કારણકે સોમેશ તેની સાથે લગ્ન કરવા માગતો નહોતો તેથી રૂપલની સાથે સંબંધ આગળ વધારવો ન જ જોઇએ તેવું મારું માનવું હતું. રૂપલને પણ સમજાવવા માટે સોમેશના ધરે જ લાવવી અને તેની મિત્ર પણ હાજર રહે તે નક્કી થયું. રૂપલ સાથે મેં રૂબરૂ વાત કરી. તે ખૂબ જ લાગણીશીલ હતી એટલે તે દરેક વાતને રડતા રડતા જ વ્યક્ત કરી રહી હતી. તેના દિલમાં સોમેશની એક સારી છબી હતી પણ તેમાંથી તેને બહાર કાઢવા મારે સોમેશને ખરાબ વ્યક્તિ ચિતરવો પડ્યો. સોમેશ વિશે અનેક ખરાબ આદતો અને સ્વભાવની અને અનેક ખોટી વાતો ઊભી કરીને તેને સમજાવી. સાથે જ મારા એક સાયકોલોજીસ્ટ મિત્ર પાસે પણ તેને મોકલવાની શરૂઆત કરી. રૂપલનો વધારે પડતો લાગણીશીલ સ્વભાવ તેના માટે જ તકલીફ આપનારો હતો. તે ખૂબ નિર્મળ હૃદયની મહિલા છે, પણ આજના સમયમાં લોકો આવી વ્યક્તિને જલ્દી સ્વીકારી શકતા નથી. એક સ્ત્રી તરીકે મને તેની તકલીફ અને પીડા અને લાગણી બધુ સમજાતું હતું પણ સોમેશ પ્રત્યેના એકતરફી પ્રેમમાંથી તેને બહાર કાઢવી પણ જરૂરી હતું.

મારા માટે આ બંને પાત્રોને તકલીફમાંથી બહાર કાઢવા જરૂરી હતા અને હું તેમાં સફળ પણ થઇ. બે મહિનાના સમયગાળા બાદ બંનેએ પ્રેમથી છૂટા પડવાનું નક્કી કરી લીધુ. જીવનમાં ક્યારેય એકબીજા સાથે સંપર્ક રાખશે નહીં તે પણ નક્કી થયું. અહીં એક વાત ખાસ જણાવીશ કે યુવતીઓ લાગણીશીલ હોય તેનો અર્થ એ નથી કે તે શંકાશીલ છે. તેને તેના પ્રિયપાત્રની ચિંતા હોય તેવું પણ બને. જોકે ઘણી યુવતીઓના શંકાશીલ સ્વભાવથી અને માલિકભાવથી પણ આજકાલના યુવાનો અને પુરુષો કંટાળી જતા હોય છે. ત્યારે આપણે પુરુષને સમજવાના બદલે સ્ત્રી તરફી નિર્ણય વધારે દર્શાવતા હોઇએ છીએ.

સમજવા જેવું –

સોશિયલ મિડીયામાં તમને હજારો લોકો ફોલો કરે છે, તમારી દરેક અપડેટ પર તેમનું ધ્યાન હોય છે. તેથી આવા એકતરફી પ્રેમી અને પ્રેમિકાથી ચેતવું જરૂરી છે. કોઇ સોશિયલ મીડિયાનો ચાહક તમને મળી જાય તો તેની વાતોથી તરત પ્રભાવિત થયા વિના તેની વિશેની માહિતી જાણવી જરૂરી છે. પુરુષનો સ્વભાવ રહ્યો છે, કે કોઇ સ્ત્રી તેના તરફ સામેથી પહેલ કરે તો તે મોટાભાગ તેમાં રસ દાખવતો હોય છે. તેથી આવી મહિલાઓથી પણ સાવધાન રહેવું જરૂરી છે. કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી. સમાજના ડરે તે બહાર આવતા નથી ત્યારે લોકો માનસિક, શારીરિક અને આર્થિક રીતે તેનો ભોગ બને છે. તો આ બધામાંથી બચવા માટે અજાણતા જીવનમાં આવી પડેલા વ્યક્તિને ઓળખતા શીખો અને બને તેટલું અજાણ્યા સંબંધોથી સાવધાની રાખો.